અંગદવિષ્ટિ

Angadvishti

શામળ શામળ
અંગદવિષ્ટિ
શામળ

રામ

અંગદકું કહે રામ, કામ કરનેકું જાઓ;

રાવનસેં કર બાત, વિષ્ટિ કર બેગે આઓ.

અંગદ

કહે અંગદ કર જોરકે, નિર્ગુનસો કહા નેહ;

કહા અગર ખર કાકકું, જૈસા ઊખર મેહ.

રામ

સો બાતનકી બાત યે, મોકું સુખ મિલાઓ;

તો અંગદ તુમ લંકમેં, બિષ્ટિ કરને જાઓ.

અંગદ

કહો લ્યાઉં દશ શીશ, બાંધી લ્યાઉં સબ ધીરસું;

કહો તોડું ગઢ બંક, નાખું લંક સબ નીરસું.

રામ

બેર બેર મેં કા કહું, અંગદ તુજસેં આપ;

ગુન્હો તકસીર દશકંધકો, મેલ કરો તુમ માફ.

લંક બાળવી નવ પડે, રૈયત નવ લૂંટાય;

શત ગાયોનાં શિંગડાં, તેથી ટાઢાં થાય.

અંગદ

હુકમ હોય હજૂરી કેરો, શોષી નાંખું બાધો સાયર;

હુકમ હોય હજૂરી કેરો, મહા કામ કરવા છું માયર;

હુકમ હોય હજૂરી કેરો, જુદ્ધે જોર કરું હું જાહર;

કાસદ કામ સોંપ્યું ક્યમ મુજને, છેક મુને કેમ કીધો કાયર.

રામ

કાયર તુજને ક્યમ કહું, સાયર શૂર સરદાર;

જાહર છો મહા જોદ્ધમાં, અપરંપાર અપાર.

અંગદ

કહો તો ગઢ લંકના સહસ્ર કટકા કરું,

ઢંઢોળીને કરું ધૂળધાણી,

કહો તો હું સાત સાગરજળ શોષીને,

આળપંપાળ કરું પૂરપાણી;

કહો તો રાક્ષસ બધા રોળી નાખું વળી,

જો વદો વદન મહારાજ વાણી,

કહો તો દશકંધનું દેહવટ વાળીને,

રોવરાવું બધી રાવરાણી.

રામ

રામ કહે સાંભળ રે અંગદ, પર્મબુદ્ધિ હમણાં તો ધારો;

કહ્યું કરશે નહીં હંકારી, ભારે સર્પતણો છે ભારો;

સોગટી નામે માર કહું નહિ, મોટા વાંક કાઢે મારો;

પાપી પહેલ કાઢે આગળથી, પૂંઠે રાજ તમારો વારો.

અંગદ

રાજ તમારે મુખ ક્યમ બોલું,

જાણે હુકમ થયો તે જવાયું;

ગુણહીણો દેશે મુખ ગાળો,

ભાંડ બોલશે એહ ભવાયું;

શત્રુવચન ક્યમ સાંખી રહીશું,

તેહ દુખે મુજ તંન તવાયું;

સામળ સ્વામી કહો તે કહીએ,

લક્ષવસા વચંન સવાયું.

રામ

સામદ શૂર સાબાશ, વખાણ કરું શાં વાતે;

હેતે મૂક્યો શિર હાથ, રીઝ થકી રઘુનાથે;

મમત મૂકશો માન, નૃપતિને કરો નમણાં;

ગુણહીણો દે ગાળ, બોલ કહેજો ત્યાં બમણા;

વળી સામ દામ ભેદ કરી, વિષ્ટિ વધારી વાધજો,

મૂરખનું મન માને નહીં, શૂરપણું ત્યાં સાધજો.

કવિ

અંગદ હરખ્યો મંન, હવે મન માન્યું મારું,

ગમતી કરશું ગોઠ, ધીયમાં જેતી ધારું;

સવાયે દોઢ શત સહસ્ર, વાદ કરંતાં વાધે,

રઢિયાળો રાવણ રાય, શત્રુવટ શોભિત સાધે;

પછે પરાક્રમથી પ્રાજે કરું, અંગદે વિચાર્યું અંકમાં,

સામળ કહે સેવક રામનો, જઈ લૂટ પડાવું લંકમાં.

ચાલ્યો અંગદ ચોંપથી, મુખ જપતો શ્રીરામ;

પોતે આવ્યો પાંસરો, જ્યાં રાવણનું ધામ.

હાલક હુલક ત્રાસ, પડ્યો ડોઢી ને ડેઢી,

બુંબારવ ચોપાસ, વિકટ વાટો જ્યાં ટેઢી.

પ્રાજે કીધા પ્રતિહાર, દ્વાર ઉઘાડી ધાયો,

પાંત્રીશ શીશ કરમાંય, અતિ અહંકારી આયો.

તે જોદ્ધા સહુ જોઈ રહ્યા, કર ઊંચો કો નવ થયો,

સામળ કહે સેવક રામનો, તે ધાહડમલ ઘરમાં ગયો.

વાત ગઈ બહુ વેગથી, રાવણ રાય હજૂર;

પ્રતિહાર પાંત્રીશું મારીને, આવ્યો વાંદર શૂર.

અધિપતે મન વિચારિયું, આવ્યો હનુમાન;

કનકપુરી ઘડી એકમાં, બાળી કીધું નામ.

મનમાંહે વિચારીને, કીધી વિપરીત વાત;

ઊછળ્યો સિંહાસન થકી, ઘડવા તેનો ઘાટ.

સભા મધ્ય બંધન કરી, કોટ રચ્યો તે દિશ;

નીચો થઈને આવશે, નમાવશે પછી શીશ.

અંગદ જ્યાં આગળ ગયો, ખિડકી જોઈ દૃષ્ટ;

રામ અરિને શું નમુ? મનમાં પામ્યો કષ્ટ.

ક્રોધ કરીને કૂદિયો, કરી જોર અપાર;

કોટ ઓળંગી હૂલકિયો, ગયો સભાને ઠાર.

આભ અવનિ એકત્ર કરી, કીધો હુલકાપાત;

અંગદ ઊતર્યો આકાશથી, ગર્જ્યો કડકડાટ.

દિગ્મૂઢ થયા સહુ દેખતાં, દીઠો કૃતાંત કાળ;

પર્વત સરખો પ્રચંડ નર, ફરીને દીધી ફાળ.

દશકંધને દુઃખ મનાવવા, અધિપત ઓળખવા એન,

ઇષ્ટ ભારી અંગદો તિહાં, વદ્યો વિપરીત વેણ.

અંગદ

રામચંદ્રની નાર સીતા સતી માતા મોરી,

દૈત્ય દાનવ કો દુષ્ટ, ચંડાળ કરી લાવ્યો ચોરી;

દયાનિધિ દાતાર, ધર્મ હજુ મનમાં ધારે,

પાછી આપે જો સીત, તો એને નવ મારે.

નહિતર દેશ દેહવટ કરે, એવી આજ્ઞા આપી મુને,

ચતુર હોય તો ચેતજે, ચેતાવા આવ્યો તુંને.

સામદ

મરદ મુછાળો વીર, રામની રામા લાવ્યો,

શૂર પૂર દૃઢ ધીર, ક્રોડ કંદપર્વત કહાવ્યો;

દશકંધ નામ દરિયાવ, તરવાર તાતી ત્રિલોકે,

જોર હોય તો જુઓ, સીતા મૂકી અશોકે;

પાછી લેતામાં પ્રીછશો, અદકું બોલે અનર્થ થશે,

લાડ કરતાં આવો છો લંકમાં, જરૂર જીવ સહુના જશે.

અંગદ

જનની કુણ રાવણતણી, બહુ ઉપજાવ્યાં બાળ;

જાત શ્વાન કે શૂકરી, ભૂંડણ કે શિયાળ.

કે વીંછણ કે નાગણી, કે કરકટની નાર;

કે અજા કોણ છે, બોલો નહીં ગમાર.

બોલત નહીં કહુ નીચ હો, કે મૂંગા કે ઢોર;

કે અમારો દીન હો, કે જાતિ કે ચોર.

પૂછત હું બડી બેરકો, ફેર પાઉં બ્યાન;

કે ફૂટી હે આંખડી, કે સુનતે નહિ કાન?

કવિ

વાંકાં વચન શ્રવણે સુણી, ચડી રાવણને રીસ;

પગની જ્વાળા પ્રગટી તે, જઈને ભેદી શીષ.

વાઘને વળી વકારિયો, શુભ છંછેડ્યો સાપ;

સિંહ પંખાળો પાખરો, અતલીબળ આપ.

દેહ દાઝ્યો દશાનન ઘણું દિલ વિષે,

એક આપે થયો તેહ તાથે;

ઊછળ્યો એક કર આપ આસન થકી,

મુખ મૂછ મરડી હીતહોડ હાથે.

રાવણ

કોણ તુજ નામ ને ગામ ને ઠામ કહે,

કામ કશું છે પશુ ભૂપ સાથે,

કો તણો મોકલ્યો હ્યાં લગી આવિયો,

આભ બાધો ભરે બાંય બાથે?

અંગદ

વાળીનો પુત્ર ઘરસૂત્ર શુભ પર્વતે,

નામ અંગદ મારું હરખ એવા,

શરણ રહું છું રઘુનાથનાં ચરણની,

દેવનો દેવ અધિદેવ દેવા;

ધૂમ્રપાને કરી ધ્યાન જોગી ધરે,

ઇંદ્ર બ્રહ્મા કરે ઈશ સેવા;

તે તણી નારને તસ્કરી લાવિયો,

લંક લગી આવિયો સૂધ લેવા.

રાવણ

જા અલ્યા જીવતો કહે તારા રામને,

ગામ કેમ આવ્યો ધામ ધાતો,

દેહ દીઠી નથી તેં દશાનન તણી,

કાન સુણી નથી વેણ વાતો;

કુંભકર્ણ આળસ તજી ઊઠશે,

લાખ સવામણ ચીચ ખાતો;

ક્રોડ બોતેર ને પદ્મ અઢારમાં,

ઝાંખશો નહિ કોણ એક જાતો.

અંગદ

અલ્યા રામ આગળ કશી વાત તે તાહરી,

શ્વાનની વાત શી સિંહ સાથે,

રંક કીરત કહે રાજ રાજેંદ્રને,

લાભ શો લીજીએ તેહ ત્યાંથે;

દેખાડ તાહરો ડાહ્યરો દળપતિ,

માહરો બળ સહે બાંય બાથે,

ક્રોડ કુંભાતણા માન મોડું અતિ,

એવી હું હોંસ રાખું છું હાથે.

રાવણ

અંગદા અંગમાં શે તું સમઝે નહીં,

કૂખ કાયરતણી તું આવ્યો!

કપૂત વાળીતણા કુળ વિષે અવતર્યો,

કે શકે નીચનું થાન ધાવ્યો!

શતક કટકા કર્યા તાત તારાતણા,

તે તણી ભક્તિમાં ભૂર ભાવ્યો!

વાનરા સર્વનો ઘાટ ઘડાવવા,

લખવસા લક્ષ્મણો આંહી લાવ્યો!

અંગદ

પાષાણ અજ્ઞને પ્રીછવું કેટલું,

જેહમાં ગુણ નહિ જ્ઞાન જ્ઞાતા,

વીશ છે નેત્ર પણ અંધ વપુએ થયો,

શોધતો શે નથી ચિત્ત ચાહતા;

જે કરે જેટલું ભોગ તે ભોગવે,

તે તમો દેખશો ધંધ ધાતા,

વાળી વૈકુંઠ પદ પામિયો પ્રીતથી,

રામજી મુક્તિપદ દિવ્ય દાતા.

રાવણ

કાપડી વેષ લઈ વન વિષે જે ફરે,

શીશ જટા ધરે સંગ સારો;

સીતની શુદ્ધ નવ માસ નીરખી નહીં,

આજ સાગરતણો દીઠ આરો;

લાવિયો રીંછ લંગૂર લખ કોટિધા,

માનવી મૂળ મુખવાસ મારો;

લંકપતિ છત્રપતિ રાય રાવણ સાથે,

રાઢમાં જીતશે રામ તારો!

અંગદ

એક કિંકર અહીં આવશે રામનો,

તે નહીં તાહરો બોલ સાંખે,

તાત મારાતણી કીર્તિના કવિ તમો,

હું ખમું બોલ જે ભૂંડ ભાખે,

અન્ય જણને ઓશિઆળ શી તાહરી

જો ઘડી એકમાં જોર ઝાંખે,

લંક પરલંક અંક એકે ભરી,

નિમિષમાં નિધિતણે નીર નાંખે!

રાવણ

કહે દશાનન સુણો વાળીકા દીકરા,

પ્રીત સંભાર તું પેર પૂઠી;

રામ ઉપર તને હેત ક્યમ ઊપજે,

તાતને મારિયો કાળ ફૂટી,

પિંડ પાળે તારું વેર વાળે નહીં,

પેટની વેઠમાં વાટ ઊઠી;

કર અહીં ચાકરી બાંધ ત્યાં બાકરી,

રામશું રાઢ કર આવ ઊઠી.

અંગદ

બુદ્ધિબળહીણ તું ક્ષીણ આયુષ થયો,

રાવણ મૂઢ મુખ શું ભાખું;

રાજ મહારાજ અધિરાજજી કેરડાં,

દર્શનો નિત્ય હું દિવ્ય દાખું;

સહ અમૃત રત્નખાણ પૂર પ્રેમની,

તે તજી ઝેર નીરવત ચાખું,

સ્વામી સામળ તણા ચરણ પ્રતાપથી,

તુજ સમા કિંકરા ક્રોડ રાખું!

રાવણ

વધતું વેણ વદે અલ્યા વનચરા,

કેટલી બુદ્ધિ તરતીબ તારી,

પ્રાશન કરે પીલવાં વાલિયો વાનરો,

મોટાઈ જુઓ એણે નાંખ્યો મારી?

તાટકા તારુણી રાંકડી રંડ એ,

જીતિયો નીચ નિર્માલ્ય નારી;

રામનાં કામ જાણે બધા જગતમાં,

ધીર વીર બે ધર્મધારી.

અંગદ

ત્ર્યંબક જ્યાં ત્રોડિયું માન તુજ મોડિયું,

છોડિયો ત્યાં તુંને ધર્મ હાર્યો;

દશ મસ્તક દક્ષમાં રાખિયો કક્ષમાં,

પલક એક પક્ષમાં હોડ હાર્યો;

કોટિ રાક્ષસ હણ્યા ભય તેના નવ ગણ્યા,

વેદ ભણિયા હવે તુજ વારો;

મારવો રંકને, લૂટવી લંકને,

પાપથી ઓસરે રામ મારો!

રાવણ

બોલે વધતા બોલ, તોલ ખૂવે છે તારું,

રવિ સામા નાંખે રેણું, માન ઘટે નહિ મારું;

આયુષ તારું અલ્પ, એક ઘડીમાં આવ્યું,

તાતનું લેતાં વેર, ભાગ્ય ભૂંડું ભાવ્યું;

અવતાર અફળ તારો ગયો, વેર વાળ્યું વેઠમાં,

શત્રુને જઈ શરણે રહ્યો, પાવક ઊઠો તુજ પેટમાં!

અંગદ

અન્યાઈ બોલે આળ, ગાળ ગુણહીણા દે છે,

અધર્મી અવતાર, ભાર શું માથે લે છે;

મુજને તુજ પર હેત, ખેદ રાખી નહીં ખીજું,

આપણ બંને ભ્રાત, બતાવું કારણ બીજું;

જો વાળી તાત છે આપણો, છૈયે સહોદર સુખમાં,

તુજને રાખ્યો તો કાખમાં, મુજને રાખ્યો તો કુખમાં!

રાવણ

રાંકની જાત તે રત્ન શું ઓળખે,

આખર ચૈતન ચાકરનો,

ગરીબ તણે ઘેર પેટ ભરે તે,

ઠાઠ શું જાણે ઠાકરનો,

મેરુ તણો મહિમા નવ પ્રીછે,

કરે વખાણ તે કાંકરનો,

‘ખાખરની ખિલોડી’ અંગદ,

સ્વાદ શું જાણે સાકરનો?

અંગદ

આરોગિયાં અમૃત ફળ જેણે અતિ ઘણાં,

તેહને ઝેર તે કૂણ લેખે,

હાર પહેર્યા જેણે હેમ મોતી તણા,

કાચ કથીર કૂણ પૂઠ પેખે,

પદ્મિની પારખી જેમણે પ્રેમદા,

શંખણી દાખુ તે લાભ લેખે,

રામ હૃદે વસ્યો ત્યાંય રાવણ કસ્યો,

માન સાચું નહીં મીનમેખે.

રાવણ

ક્રોડ તેત્રીસ તો દેવ સેવે સદા,

સાત સાગરતણી ખાડ ખાઈ;

ઘરસૂત્ર કંચનતણા પુત્ર શત લખસવા,

કુંભકો પ્રાક્રમી ભરત ભાઈ;

દશ શીશ વીસ ભુજ બાહુબળ ઘણું,

જગ્ત જીવે મારા ગુણ ગાઈ;

અંગદ અંગ શતખંડ તારાં કરું,

રામની વાનરા શી બડાઈ.

અંગદ

શેષની આગળે અળશિયાં જ્યમ ફરે,

સિંહને આગળે શ્વાન સોનું;

કંચન કથીર જ્યમ કેળ ને કાચકી ને,

અમૃતરસ આગળે વિખબોણું;

વેદ જોડે જ્યમ ભેદ પાખંડના,

દર્શન આગળે જોષ જોણું,

રામજી આગળે રાવણ ત્યમ તમો,

ગાનગુણ આગળે રાંડરોણું;

લંક બાધી બળી તોય સમજ્યો નહીં,

અશોક વાડી તણો શોક કીધો,

આળપંપાળ કર્યાં નીર અર્ણવતણાં,

પ્રૌઢ પયોનિધિ પાજ પીધો;

કુંવર તુજ રત્નશો રણમાં રોળિયો,

સીત આણ્યાથી શો લોભ લીધો,

જો વિભીષણ મળ્યો ભ્રાત રઘુનાથને,

દેશ લંકાતણો નાથ કીધો.

રાવણ

કહે એક પુત્રથી આંહી ઓછું કશું,

જેમ પટ આગળે એક ધાગો,

સમૃદ્ધિ ઘણી ભાઈની ભોમ લીધી અમો,

એક એકાકી ભૂર ભાગ્યો;

રત્નચિંતામણી ખાણ કંઈ કોટિધા,

નાગા નર જેવાને એક વાગો;

સિંધુમાં બિંદુ મૂંડામાંય મૂઠડી,

“એક ખજૂરાતણો ચરણ ભાંગ્યો!”

જમ ચોકી કરનાર, લંક કેડે હરનિશે,

ગ્રહે દે કોઈ નામ, વરદાન આપ્યું ઈશે;

ચાંપે પનોતી ચરણ, કરમ કર જોડી રહે છે,

અષ્ટોત્તરશત વ્યાધ, ખમા ખમા નિત કહે છે;

નિકટ મોત નહીં નગરમાં માઝા કૂણ લોપે મારી,

જશવંતા રાવણ જીતે જશ, જુગ બાધામાં જારી.

અંગદ

ઈશ હતા તુજ શીશ, તે ગુણ ઘાટ ઘોળાણું,

ચૌદ ચોકડી રાજ, રિદ્ધ સિધ સર્વ રોળાણું;

આયુશ થઈ ગયું અલ્પ, સતી સીતાને શાપે,

પરવાર્યું જપપુણ્ય, પ્રેમદા હરી તે પાપે;

દિવસ બે ચાર દશ બારમાં, લંકાગઢ તારું ગયું,

હજૂર મોત આવ્યું હવે, રાજ વિભીષણનું થયું.

રાવણ

રામના દંતમાં દેઈ, સીતાજી હું હરી લાવ્યો,

રોતો ફરતો રાન, દશ માસે અહીં આવ્યો;

પામરકેરી પેર, ભિખારી ભાવે ભમતો,

માંકડ કૂકડમાંય, રહ્યો રાજી થઈ રમતો;

મરદ મુછાળા પાસથી, કઠણ લેવી છે કામિની,

જાઓ જાઓ મૂકું જીવતા, જરૂર આજની જામિની.

અંગદ

મરદ મુછાળો હોય, તેહ શિદ થાય ભિખારી,

નરપતિ હોય નરેંદ્ર, ચોરે તે કાં પરનારી;

સામદ હોયે શૂર, રિદ્ધિપતિ રાવ કે રાણા,

તે શિદ પાડે બૂમ, કાર્મુકે કર ચંપાણા;

ઊંચા અધર્મ નવ આચરે, ભૂંડા બોલે ભાંડમાં,

તોલ ઘટે તુંને મારતાં, રામને મન તું રાંડમાં.

રાવણ

દાવે બોલ્યો દશકંધ, ધાકડો કરે છે ધંધ,

બાંધી લ્યોને એને બંધ, મારી નાખો મૂઢને;

ફેડી નાંખો એનો ફંદ, છંછેડીને કરો છંદ,

મોટમ એની કરો મંદ, કાઢી નાંખો કૂડને;

મૂછ પૂછ કૂછ કાપો, તન એનું તાપે તાપો,

અધિક લહાણ આપો, પ્રાજે કરો પ્રૌઢને;

વાનરો આવ્યો છે વાસે, પોકાર કરે છે પાસે,

ઉડાવી નાંખો આકાશે, આકડાના તૂરને.

કવિ

બાંધવા માંડિયો બળ કરી બહુ જણે,

ચોગમાં બાણની ચોટ નાંખી;

વકારે વિમાનેથકો રાય રાવણ ઘણું,

શૂર સામદ રહે કેમ સાંખી;

હડબડાવ્યો ઘણું કહી હો હો કરી,

તરવર્યા જોધ જ્યમ મધમાખી;

રામનું નામ અંગદ તણે અંતરે,

પડે જ્યમ શસ્ત્ર અંગફૂલ પાખી;

આપ જોરે કરી ઊછળ્યો અંગદો,

કારમો કોપ આકાશે કીધો;

વળી ગયા હાથ તે તો રહ્યા હીંચતાં,

દોષી દેહવટ કરી દાવ દીધો;

બ્રહ્માંડ ભાંગી પડે એમ ભૂપર થયું,

મધ્ય પડ્યા જ્યાં શૂર સીધા;

નાઠા નૃપતિ સહિત દાનવો દશદિશા,

પાંચ કોટિ તણા પ્રાણ પીધા;

નાસતા નર દીઠા ઘણા નરપતે,

વાસ બાધા માંહે ત્રાસ પેઠો;

લંગૂરનું જોર લેખે લખધા લહ્યું,

અહંકાર તજે ક્યમ એહ એઠો;

હુંકારને હોડ મોડ કોડે કરી,

ફરી ભૂપ સભા ભરી ઘાટ પેઠો;

દંત કરડી મહા મૂછ મરડી પછી,

આસને રાય બળવંત બેઠો.

નાગપાશ આણિયું જોર જણાવિયું,

તાણિયું બાણ ટંકાર કીધો,

ગાળ દશ વીશ ત્યાં દીધી રીસે કરી,

વાળીસૂત ઘુમ્મરે ઘેરી લીધો.

રાવણ

સંભાર કોઈ ઇષ્ટને સમે અંગદા,

પલક એકમાં તુજ પ્રાણ પીધો,

નામ ટાળ્યું તારું રામ તુજ શત્રુએ,

દાદો ત્યમ દીકરો દાવ દીધો.

અંગદ

કૂડ બોલે અલ્યા કુંવર કૈકસીતણા,

નાક છેદન કરું નિમિષ નાથે,

જીવતાં જોર દેખાડવા માંડિયું,

જોર હો તો વળગ બાંય બાથે;

પ્રીતથી પ્રત્યુત્તર કરે તો હું પરવરું,

હુકમ નથી રાઢનો તુજ સાથે,

લેખ લખ્યા બ્રહ્મતણા લક્ષવસા,

રાવણતણું મોત શ્રીરામ હાથે.

રાવણ

ડેંડરાં દાદુરાં ખેલતાં ખાબડે,

તેહને હોંસ થઈ સિંધુ તરવા,

કાગલાં, બગલાં મેડકાં માણતાં,

ચાહ્ય તે ચિત્ત મોતી ચરવા;

કાપડ્યાં બાપડ્યાં ડાભડાં પહેરતાં,

આવિયાં ઊંડળે આભ ભરવા,

કીડને પાંખ આવી તે તો તરફડે,

મરણ આવ્યું માથે મેલ મરવા.

રામ સરખા રણમાંય, રાખું છું હું હજારા,

અટવાશે જીવ અનેક, વાનર તે રીંછ બચારા;

ઇંદ્રજીતની આણ, હાક ફરશે રણ માંહે,

દૃઢતા થઈને પાગ, કોણ ટકાવે ત્યાંહે.

કુંભકર્ણ ભૂપ ભુખાળુવો, દેખતે પ્રાશન કરે,

મૂરખ મન વિચાર કર, વાનર દેખી તે ક્યમ ડરે?

અંગદ

વાનર તે તો વાળિ, કક્ષમાં રાખ્યો તુજને,

એકસો સિત્તેર દિન્ન, મૂર્ખ કહેવડાવે મુજને;

વાનર તે હનુમાન, અશોક વન બાળ્યું જેણે,

વાનર તે નળ નામ, પહાણ તાર્યા જળ તેણે;

વાનર અંગદ સારખા, રંક કિંકર શું કહું કથી,

સુગ્રીવ સુભટ નર સારખા, નરપત તેં દીઠા નથી.

રાવણ

રાવણ કહે રે મૂઢ, પહાણથી દીસે પ્રૌઢો,

મૂરખનો મહિપતિ, જગમાં નહીં તુજ જોડો;

નફટ તણો નરેન્દ્ર, અધિક દીસે છે અનાડી,

વખાણીને વાત, કરે કરવી હોય ચાડી;

જે ડાહ્યો હોય તે દલ ધરે, સંક્ષેપે શિક્ષા લહે,

અંગદ શાં વગદાં કરે, કહે કેમ ઊભો રહે.

અંગદ

ઊગરે કોએક જીવ, ત્યાંય બોલીએ જૂઠું,

ઊગરે કોએક જીવ, કરીએ દીઠું અદીઠું;

ઊગરે કોએક જીવ, અક્કલ ફેલાવું આડી,

ઊગરે કોએક જીવ, કરીએ ચોરી કે ચાડી;

હાંકી કાઢે છે હઠ કરી, તોય ઊભો છું બારણે,

અંગદ કહે સુણ રાવણા, જીવ જીવાવણ કારણે.

રાવણ

ઉગારવા આવ્યો દેહ, ઉગારવાં વાનર રીંછાં,

તે ઊડશે આકાશ, કાગ તણાં જ્યમ પીંછાં;

કોય સતી નવ થાય, પતિ કો અવર મરંતે,

આપ ભાળે ભૂખ, પારકું પેટ ભરંતે;

પ્રાક્રમ પરમારથ તાહરું, કૂડ કપટ કરવા કામનું,

પિતા માર્યા તે પ્રેમથી, રૂડું ચિંતશે રામનું.

અંગદ

ઇંદ્રજિત સરખો તંન, તેહ તુજ રણ રોળાશે,

કુંભકર્ણ સરખો જોધ, ચાંચડવત તે ચોળાશે;

સાત લાખ પ્રૌઢો પુત્ર, કાયર થઈ કુટાશે,

રત્ન ખાણની રિદ્ધ, લંક લક્ષ્મી લૂંટાશે;

તું શિવ વરદાનથી શૂર છે, માનમગ્ન છે મન થકી,

તુજ શીશ ઈશ અળગા થયા, સીતા હરી તે દિન થકી.

રાવણ

રાવણ કહે રામદુવાઈ, દેઉં છું અંગદ તુજને,

પલક ટકાવે પાગ, ફરી ઉત્તર દે મુજને;

શરમ નવ રાખીશ, જરૂર કહેણ ત્યાં જઈને,

વધારજે મુજ વેર, પ્રીતથી તેનો થઈને;

જો મૂછ ધરાવે મુખ પર, નીર વધારો નામનું,

રાવણ કહે આવો અહીં, મારે કામ છે રામનું.

અંગદ

અંગદ કહે સાબાશ, હોડ હઠ હિંમત તારી,

તુજમાં પ્રાક્રમ પ્રૌઢ, ખરી નીશા થઈ મારી;

ભલું રામશું વેર, ભલું ગંગામાં મરવું,

ભલું ગયાવ્રત માંય, દંડ જે ભારે ભરવું;

ભલું પુત્ર શિષ્યને વિપ્રથી, હોડે કોડે હારવું,

ભલું મોત રાવણ તણું, જો રામને હાથે મરવું.

અંગદ

જઉં છું હવે જરૂર, વચન કહું છું એક છેલ્લું,

ખમું છું તારી ગાળ, મમત તુજ સાથે મેલું;

પૂછ ઘેર તારી નાર, મંદોદરી શુભ સતીશું,

કહે તો માંડની રાઢ, લક્ષ્મણ જોગ જતીશું;

પૂછી આવો તમે પુરપતિ, ત્યાર સુધી ઊભો રહું,

એમ કરતાં તમો ઊગરો, ઉપદેશ સત્ય સાચો કહું.

રાવણ

અંગદ અક્કલના હીણ, વચન તું જો વિચારી,

નવખંડ તણો નરેન્દ્ર, શીખ શી દેશે નારી;

રામા વશ તે રામ, ક્રોડ વસાએ કહાવે,

પરવશ પડી તે પાશ, ઇહાં અથડાતો આવે;

નારનાં કહ્યાં તે નર કરે, નપુંસક નારે જીતિયાં,

રામાને રાવણ પૂછે નહીં, રામતણે ઘેર રીતિયાં.

રામતણી તુંને આણ, વદે અંગદ તું વાણી,

રામતણી તુંને આણ, પલક પીવા રહે પાણી;

રામતણી તુંને આણ, હવે જો જીભ હલાવે,

રામતણી તુંને આણ, જો તું ચરણ ચલાવે;

રામ આણથી કહે જઈ તહીં, જહીં સેન સકળ છે તમતણું,

રાવણે કહાવ્યું રામથી, મહિમા દેખાડ મોટપપણું.

કવિ

ઊડ્યો સુણી આકાશ, અંગદ અતલીબળ આપે,

મહિમા વધારી માન, રામ રજચરણ પ્રતાપે;

આવ્યો જિહાં અશોક, અલૌકિક જ્યાં છે વાડી,

દુઃખ નવ વ્યાપે દેહ, ખડી રત્નાકર ખાડી;

બેઠી સીત સ્વરૂપ તિહાં, રૂપ રઢિયાળી શુભ સતી,

પ્રદક્ષિણા દેઈ પાગે નમ્યો, મોકલ્યો છે લક્ષ્મણ જતી.

અંગદ

સાંભળજો મુજ માત, વાતમાં એહ વધાઈ,

લક્ષ્મણ સહિત શ્રીરામ, પધાર્યા ભૂપત ભાઈ;

વાનર પદ્મ અઢાર, બોતેર કોટીક સાંધી,

મળ્યો વિભીષણ ભ્રાત, પાજ સમુદ્રે બાંધી;

મેં વિવિધ પ્રકાર વિષ્ટિ કરી, ટેવ એહની ટોડિયો,

સીતા પ્રત્યે અંગદ કહે, ગઢ લંક વાનરે વીંટિયો.

સીતા

સીતા કહે સુણ વીર, ધીર થઈ ધીરજ ધરજો,

જોરાવર જન એહ, કામ ઘણું પાકું કરજો;

લલોપતો નહીં લાગ, શોભે નહીં શૂરા સાથે,

મંદ્રાચળ શો મેર, ઉપાડે છે એક હાથે;

કુંભકર્ણ કહેવાય છે કારમો, દેખે તેટલું ખાય છે,

એવું જાણી ઇહાં આવજો, રામ તો મોટા રાય છે.

અંગદ

કહો તો મેરુ સહિત, ઉદયાચળ હું ઉપાડું,

કહો તો લંકપર લંક, અધિક અવનિમાં ગાડું;

કહો તો બાણું ક્રોડ, જોધને બાંધી જાઉં,

કહો તો ઇંદ્રજિત કુભકર્ણ, દૈત્ય સર્વેને સાઉં;

મા કહો તો લંકને લૂંટીએ, વસુધા વિપરીત નાંખીએ,

પણ હુકમ નથી હજૂરનો, માટે સર્વે સાંખીએ.

સીતા

છાનો રે ભડ ભ્રાત, વાત શી કરવી ઝાઝી,

કરો કહ્યું તે કામ, રામ જે વાતે રાજી;

કરતા હો જે કાલ, આજ સવેળા સાધો,

દેખશે કો એક દુષ્ટ, વાયુવત્ વેગે વાધો.

જ્યાં આજ્ઞા માંગી અંગદે, જોધ જવા લાગ્યો જવે,

રાક્ષસીએ બૂમ પાડી ઘણી, જોધ તરવરી રહ્યા તવે.

કવિ

મહોકમ કીધો માર, અંગદને રાયે આપે,

ગુણે લેખમાંય, હાથ શ્રીરામ પ્રતાપે;

લખ બોતેર હજાર, તણા તો હંસ હરિયા,

વાડીમાં કૂપ વિશાળ, ભૂપ સહુ તેમાં ભરિયા;

બાકી બૂમ પાડી ગયા, ગઢ લંકા ગુણ ગામને,

ઉત્પાત કરીને આવિયો, શરણાંગત શ્રીરામને.

દંડવત કીધા દશવીશ, શીશ નમાવ્યું નેહે,

સુખનું સાગર સર્વ, દૈવત પામ્યા સહુ દેહે;

શીશ પર મૂક્યો હાથ, વાતો પૂછી રઘુનાથે,

રામ

વિષ્ટિની કહો વાત, રીઝ થઈ રાવણ સાથે;

સીતાને સહજે આપશે, કે કરવી રાઢ પડશે ઘણી,

અંગદને એમ પૂછિયું, કોટિ બ્રહ્માંડ કેરા ધણી.

અંગદ

વાલીસૂત કહે વાત, એની મેં કેમ કહેવાયે,

નથી સમજ્યો નરેંદ્ર, અહંકારી એવો રાયે;

સામ, દામ ને ભેદ, કર્યો તે જુગતે ઝાઝા,

જેમ પથ્થર પર નીર, માને નહિ રાવણ રાજા;

કરગરી કહ્યું મેં કોટિધા, આંચ દેખાડી અતિ ઘણી,

પેર પેર મેં પ્રીછવ્યો, ડગ્યો નહીં લંકા ધણી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ