મોસાળા-ચરિત્રમાંથી

mosala-charitra mathi

વિશ્વનાથ જાની વિશ્વનાથ જાની
મોસાળા-ચરિત્રમાંથી
વિશ્વનાથ જાની

(૧)

એક રથ મહેતે માગી આણ્યો શિથિલ સઘળે અંગ,

વૃદ્ધ બળદ ને આખલો જોતર્યા જોડી પ્રસંગ.

સહસ્ર કટકે વણી સાંગી, શોભાનો નહીં પાર,

ખટખટ ચેંચ્યું ચાલતાં બહુ શબ્દ થાય સાર.

હાંકતાં બેસે બળદિયો, આખલો તાણી જાય,

નાથે ઝાલ્યો નવ રહે નકાંનતર બહુ થાય.

ચઢે બેસે ઊતરે તાણે ઝાલી નાથ,

જે કૃષ્ણ વાણી ઊચરે, એમ પોહોતો સઘળો સાથ.

ખાંતીલો ખોખલો પંડ્યો પહેલો પેઠો ગામ મોઝાર,

વાટના જે ઢંગ દીઠા તે કહ્યા સમાચાર.

સ્વર્ગથી જ્યમ અપછરા દોડે અમરપતિને કાજ,

ખલકતી ચૂડી રૂપે રૂડી નેહે નમતી લાજ :

'અલી અહીં શું રહી ઊભી, મહેતોજી આવ્યા દ્વાર,

કાર્ય મેલ્યાં કામિની, સહુની લાગી લાર.

સુખણી! સામો કંથ ઊભો શીશ અંબર ઓઢ.

કુંઅર કેડે શું ચઢાવ્યો ? તરુણી પરહો તે ઓડ.'

(વલણ)

જોવા લાગ મળે, ભીડ ભરાણી મહેતા કાજ,

અવસ્થા જોઈ સહુ હસે : આવી શું કરશે આજ?

(૨)

મામેરાને શું આવિયો વહુજીનો તાત?

જોવા નરનારી મળ્યાં વીસમે લહી વાત. મામેરાને...

તરુણી તાલ વજાડશે, ફેરવશે માળા,

નટુઆની પેરે નાચશે, ચતુરા જોની ચાળા. મામેરાને...

જેજે કૃષ્ણ લાંબે સ્વરે કહેશે કર જોડી,

કુંઅરબાઈને કામની ચંતા નહી થોડી. મામેરાને...

સાસરિયાં શેકે ઘણું, મહેણાં મુખે ભાખે,

તોપણ તાત વહુજીતણો, વાસી નવ રાખે : મામેરાને...

શાને અહીકણ આવિયો, સમઝી કેહે શાણી,

ધન વિના નાગરી નાતનું કહો ક્યમ રહે પાણી. મામેરાને...

દુર્બળ પીહર જેહેનું દુઃખ સઘળું સહેવું,

મહેણાં નિશદિન સાંખવાં, કુંઅરી! ક્યાં કહેવું. મામેરાને...

નણંદ તણે નાકોટડે મહિલા મરશે :

સામગ્રી સામુ જુઓ મામેરું શું કરશે. મામેરાને...

સુખણી સાસુ બોલશે મુખે મરમની વાણી :

લાડકી! લોનારું નથી કો નયણાંનું પાણી. મામેરાને...

અવસર માથે સાંભરે બાપ અને વીરો,

પુરુષ પુરુષને ઠામ છે, માતા તે હીરો. મામેરાને...

સાસુ સસરાનો જણ્યો સમઝણો સાથી

મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી. મામેરાને...

સુંદરજી સસરા થકી લાજ્યો મનમાંહાં રંચ,

કુંઅરબાઈને એમ કહે : દીઠા સંચ?

(વલણ)

સંચ જુઓ સસરા તણા મણા નથી કાંઈ સંગ,

લજામણા થૈ આવિયા, ક્યમ નાતમાં રહેશે રંગ.?

(૩)

મુખ મરડીને સાસુ બોલ્યાં, વામા કરો વિશ્વાસ, વહુજી.

કાગળનો કથલો તો કીજે જો નાની હોય આશ, વહુજી.

માછર્ય ભરી મુખ નણદલ બોલી, લખાવતાં શું જાય, માડી.

કટકો કાગળ ખરચ થયે કાંઈ અધિક ઓછું નહી થાય, માડી.

વડસાસુ કેહે રહે રે છાની, હું રે લખાવું લેખ, વહુજી.

તે કાગળ મહેતાને આપજો વિગતે કરીને વિશેક. વહુજી.

લખો પડીકાં કંકુમ કેરાં, પટોળાં પાંત્રીસ, વહુજી.

નારીકુંજર નાના વિધનાં આપશે શ્રીજગદીશ, વહુજી.

રેંટા શણિયાં સાળુ સાવટુ, છાયલ લખો સેં સાત, વહુજી.

પામરી પટકા ને પછેડી, બહુમૂલ્ય સુંદર ભાત, વહુજી.

થોક લખો દશ થરમા કેરી, ચોલેરા પંચાસ, વહુજી.

કમખા કપડાં ઘણેરાં જોઈએ, લોક કરે સહુ આશ, વહુજી.

સહસ્ર મહોર લખો સુનાની, શ્રીફળ લખો સેં સાત, વહુજી.

વીસ મણ વાંકડિયાં જોઈશે, મળશે નાગરી નાત, વહુજી.

ખીરોદક મસરુ ને મોળિયાં, મગિયાં અમરી ઘાટ, વહુજી.

તાજાં ટબક ને રંગે રૂડાં નિરખી લેજો વાટ, વહુજી.

જેને જે જોઈએ તે લખાવ્યું, એટલું જોઈશે આજ, વહુજી.

પછે પોસાએ તેવું કરજો જ્યમ ઘરની રહે લાજ, વહુજી.

જો મહેતાને માથે પ્રભુ છે તો તે શાનો વાંક, વહુજી.

લખ્યા થકી રૂડેરું કરશે, જોતાં આડો આંક, વહુજી.

નણદી કહે સહુ સમઝી લખાવ્યું, મહેતો ચતુરસુજાણ, વહુજી.

લખ્યાથી ભિયા નહી ચૂકે, મોટા લખો હવાં બે પહાણ, વહુજી.

(વલણ)

કહ્યા પ્રમાણે સહુ લખ્યું ને હસિયો સઘળો સાથ.

કુંઅરબાઈએ કાગળ લૈ આપ્યો પિતાજીને હાથ.

(૪)

ભામની ભાવતી મધુર ભાખતી, મૃગાવતી કહે વાણી રે,

જગતકુંઅરી કહે જો રે કમળા, અંબર તું પાણિ રે.

ઉદ્યોતકુંઅર આનંદ પામી, માનબાઈ મને ફૂલી રે.

ચાંપાં ચિત્ર લખીસી નીરખે, મોટી સુધબુધ ભૂલી રે.

લાખેણી લટ મૂકી મુખ પરિ, મરકલડે મૃગનેણી રે,

મકરધ્વજ સરખો મોહ પામે, નાગફણા તુલ્ય વેણી રે.

લોચન ઉપરિ લટ લલિતાની, નાગણી સરખી લળકે રે,

લોકિક પુરુષતણું શું લેખું, મહા મુનિનાં મન ટળકે રે.

હસવું કહેવું સુણવું રમવું, કૌતક કેરી કોડ્ય રે;

સ્વર્ગભુવન સરખું કહીએ તો, કવિને મોટી ખોડ્ય રે.

સ્વર્ગથકી સહસ્રગણી શોભા, ભૂતળ ઉપર ભાસી રે,

લાડ પાળવા લખમી સાથે, જાંહાં આવ્યા અવિનાશી રે.

માંઘરોલ માંહાં મોટા મહાજન, શેઠ સંઘવી શ્રીપાલ રે;

મોહન મહેતો પુંજો પારખ કીધા ઝાકઝમાલ રે.

દેપો દોશી ને સુરો સુની, ગણજી ગાંધી આવે રે.

સ્નેહી જે સસરાજી કેરા, સંભાળી તેડાવે રે.

કહાનો કણબી ને ધોળી ધોબણ, મોટી માલણ ડાહી રે,

નહાનો નાવિક ઊભો નીરખે, કર માંહાં વીજણો સાહી રે.

તેજપાળ તંબોળી તેડ્યો, ઊભા શારણ શેઠજી રે,

મેહેતાને મુખે ના નીસરે, લહી વીઠલની વેઠ રે.

પાણીહારી પુરીને આપો, નૂતન રંગની નાટી રે,

ભાટ રખે કો એક વીસરો, ગુણી પ્રગટ હોય ઘાટી રે.

ટોળાં સરવ ગાંધ્રવનાં તેડ્યાં, માંડ્યું હરિગુણગાન રે,

પ્રેમેસું પટકૂળ પામરી, આપે શ્રીભગવાન રે.

અશ્વતણા રક્ષકને તેડ્યો, દળનારી ને દાસી રે;

કરમશી કુંભાર સાંચર્યો, આપે શ્રીઆવિનાશી રે.

કર ઓડી જેણે જે માગ્યું, તેહેને તે આપ્યું સારજી,

કારીગર કો નવ વીસરે, પશુ તણો પિંડાર રે.

આપતાં ખૂટે નહી વસ્ત્રતણો અંબાર રે,

મહેતેજીએ કૃપા કરી તે, વહેંચી આપ્યા નગર મુઝાર રે.

(વલણ)

નગર આખે વહેંચી આપ્યાં, સહુના પૂરી કોડજી;

મહેતાને શિર હાથ ધરીને, શ્રી સહિત પધાર્યા રણછોડજી.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941