આવો મારે ઘેર માણવા

Aavo mare gher manva

શાંતિદાસ શાંતિદાસ
આવો મારે ઘેર માણવા
શાંતિદાસ

આવો મારે ઘેર માણવા,

હોજી રાજ, આવો મારે ઘેર માણવા.

સરવેથી સારું ગોરસ મારું,

હીરને તાંતણે તાણવા; હોજી રાજ૦

સૌ સૌને ઘર ધંધે લાગ્યાં,

પુરુષનાં વચન પ્રમાણવા; હોજી રાજ૦

કહેશે તેને ઉત્તર દેઈશું,

ઉત્તર બીજેથી નથી આણવા; હોજી રાજ૦

પાતળિયાજી મારે ઘેર પધારો,

નથી બેઠું કોઈ જાણવા; હોજી રાજ૦

‘શાંતિદાસ’ના પ્રભુ રસિક શિરોમણિ,

મારે તારા ગુણ વખાણવા; હોજી રાજ૦

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998