અબ મત છોડો

ab mat chhodo

દેવળદે દેવળદે
અબ મત છોડો
દેવળદે

અને જી રે હંસારાજા, અબ મત છોડો અમને એકલાં રે

જી રે હંસારાજા, રે કાયાનો કોઈ માલમી રે

અને હંસા કરો મુખડે સે બાત રે.

જી રે હંસારાજા, એક રે વાડીનાં દો દો ઝાડવાં રે

અને વાલીડા, તમે ચંપો 'ને અમે કેળ રે,

માળી હતો તે હલ્યો વિયો રે

અને તારી આજ બાગ પડી પસતાય રે.

જી રે હંસારાજા, એક પલંગ દો દો પોઢણાં રે

અને વાલીડા, તમે રે પલંગ અમે સેજ રે,

પોઢણહારો તે હલ્યો વિયો રે

અને તારી સેજલડી સુનકાર રે.

જી રે હંસારાજા, એક ચોપાટ દો દો ખેલણાં રે

અને વાલીડા, તમે રે પાસા ને અમે દાવ રે,

ખેલણહારો હલ્યો વિયો રે

અને તારી ચોપાટ પડી પસતાય રે.

જી રે હંસારાજા, એક રે મંદિર દો દો બેસણાં રે

અને વાલીડા, અમે રે દેવલ 'ને તમે દેવ રે,

હંસારાજા, બાઈ રે દેવળદે'ની વીનતી

આજ મારા સાધુડાનો અમરાપરમાં વાસ રે.

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009