દામોદર દુઃખડાં કાપો રે
Damodar dukhda kapo re
દયારામ
Dayaram
દયારામ
Dayaram
દામોદર દુઃખડાં કાપો રે, બળવંતા બેલી !
નંદલાલ નિજાનંદ આપે રે, બળવંતા બેલી ! દામોદર૦
વહાલાજી, હું તો પળ પળનો અપરાધી;
ભરેલે આધિ-વ્યાધિ રે, બળવંતા બેલી ! દામોદર૦
વહાલાજી, હું તો તમારા બળથી ગાજું;
જાણો છો, કહું શું ઝાઝું રે, બળવંતા બેલી? દામોદર૦
વહાલાજી, જેવો તેવો છું તો યે તમારો;
આધાર અવર નહિ મારો રે, બળવંતા બેલી ! દામોદર૦
વહાલાજી, મારું જોર નથી, જો તરછડો;
શું રૂઠી કરે મંકેડો રે, બળવંતા બેલી? દામોદર૦
વહાલાજી, શ્રીમુખ પોતાનો કહો છો, માટે લાડું !
બીજું બળ ક્યાંથી કાઢું રે, બળવંતા બેલી? દામોદર૦
દયાના પ્રીતમ ! પાણિ ગ્રહ્યો છે, તે નિભાવો !
મારે દાસપણાનો દાવો રે, બળવંતા બેલી. દામોદર૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 147)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
