ઘડી એક ગાની રે

Ghadi ek gani re

થોભણદાસ થોભણદાસ
ઘડી એક ગાની રે
થોભણદાસ

ઘડી એક ગાની રે, ઘેલા પ્રાણી રામને રે,

આવડો શું હીડે મોડા મોડ;

દીઠાનો દઝાડો રે, તારો મનખો જાય છે રે,

નહિ તારો ત્રણ ભુવનમાં ઠોર. ઘડી એક ગાની રે૦

પથ્થર બાંધી રે, શું પાણીમાં પડ્યો રે?

વહેતો જાશે રે તું દૂર;

દુઃખડું લગાડી રે, કહું તારા કામનું રે,

જાણી જોઈને કૂખમાં શું નાખે ધૂળ. ઘડી એક ગાની રે૦

ચોરાશીની વાટે રે, ચાલ્યો ઢોલ વાજતે રે,

કોણ કરે તારી બૂમ ને વહાર?

એવું દુઃખ જાણી રે, ‘થોભણ’ થોભજો રે,

ઊતરીને જાવું પેલી પાર. ઘડી એક ગાની રે૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 260)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963