કાનજી કેમ ના આવે
kanji kem na aave
દુલ્લભદાસ
Dullabhdas
દુલ્લભદાસ
Dullabhdas
સખી દુઃખડાંમાં ગયાં ડુલી રે,
કાનજી કેમ ના આવે.
ભાળી કુબ્જામાં ભાન ગયા ભૂલી રે,
અહીં હવે શીદ આવે.
નથી જાતું કપટ કાંઈ કળ્યું રે,
કાનજી કેમ ના આવે;
મામે માર્યો ને રાજ્ય બધું મળ્યું રે,
અહીં હવે શીદ આવે.
સખી ભાળીએ તો ભવ દુઃખ ભાગે રે,
કાનજી કેમ ના આવે;
હવે લાકડી ને કામળીથી લાજે રે,
અહીં હવે શીદ આવે.
આઠે પહોર જાય આ૫ણું ઉદાસી રે,
કાનજી કેમ ના આવે.
આપણે ગાંડાં ગોકુળ વાસી રે,
અહીં હવે શીદ આવે
સારું લાગ્યું મથુરામાં રહેવું રે,
કાનજી કેમ ના આવે.
સખી શહેરના તે સુખમાં શું કહેવું રે,
અહીં હવે શીદ આવે.
શ્યામ એટલામાં શું થયા શહેરી રે,
કાનજી કેમ ના આવે;
ગરજ મટીને વૈદ્ય થયા વેરી રે,
અહીં હવે શીદ આવે.
દાસ દુલ્લભના વહાલે વિસાર્યા રે,
કાનજી કેમ ના આવે;
હાવે છાપરીમાં રહેતા લાજે રે,
અહીં હવે શીદ આવે.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 107)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
