કર ઝટપટ સત્સંગ મન તું

kar jhapat satsang man tu

કાનપુરી કાનપુરી
કર ઝટપટ સત્સંગ મન તું
કાનપુરી

કર ઝટપટ સત્સંગ મન તું, કર ઝટપટ સત્સંગ.

કાયા માયા કામ આવે, પંચ વિષય દુઃખ અંગ. મન તું૦

શાસ્ત્ર અને સદગુરુની મદદે, જીત કુસંગ પ્રસંગ. મન તું૦

કામ ક્રોધ મદ મોહાદિક છે, ખડ શત્રુનો જંગ. મન તું૦

ગંગ સમાન અતિશય નિર્મલ, હરિરસ રંગ તરંગ. મન તું૦

થા પાવન વન જા કે નવ જા, ભર ઉર પૂર ઉમંગ. મન તું૦

જ૫ ત૫ સાધન સિદ્ધ સકલ છે, ઉત્તમ નરતન નંગ. મન તું૦

ઘર ઘર શું ભટકે મરકટવત, ભ્રમણાથી છે ભંગ. મન તું૦

‘કહાન’ માન મૂકી દે મિથ્યા, ઉન્મત્ત માતંગ. મન તું૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927