માયા ન મૂકે કેડો !
Maya n muke kedo
દયારામ
Dayaram
દયારામ
Dayaram
હરિ શું કરું રે ! મારો ! માયા ન મૂકે કેડો !
કોટિ કલ્પ સુધી એણે ભમાવ્યો, ભમું હજુ નહિ છેડો;
મુજથી ન છૂટે, ન આપ છોડાવો ! મારો કયે ભવે નિવેડો? હરિ૦
સેવા–સમરણ–કામ કરું, મારો ક્ષણુંએ ન છાંડે કેડો;
શું ગજું મારું, અવિદ્યા જીતી? કરું ચરણકમળે નેડો. હરિ૦
આપ વિના એના સૌ ચેલા, કોને કહું: દુઃખ ફેડો?
દાસી તમારી એ જાય પ્રેરો જ્યાં, પાછી ફરે જ્યારે તેડો. હરિ૦
કરગરી કહું છું કૃષ્ણ ! કૃપાનિધિ ! ચરણે પડ્યો ન ખસેડો;
માયા કાળ-અગ્નિથી બચે ‘દયો’! શ્રીકૃષ્ણ ! કૃપાજળ રેડો! હરિ૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 151)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
