મિથ્યા સુખ માયામાં મેલી
Mithya sukh mayama meli
દેવાનંદ
Devanand
દેવાનંદ
Devanand
પામર તેં પ્રાણી, વિસાર્યા વનમાળી;
મિથ્યા સુખ માયામાં મેલી, મૃગતૃષ્ણાજળ ભાળી રે. પામર૦
આઠ ૫હોર અંતરમાં બળિયો, ઘણા ઘણાને ધાયો;
રળી, ખપી, ધન ભેળું કીધું, ના ખરચ્યો ના ખાયો રે. પામર૦
નારી આગળ નિર્લજ થઈને, બીતો બીતો બોલે;
હડકલાવે, હસી બોલાવે, કરે તરણાને તોલે રે. પામર૦
સાસુ-સસરો, સગાં-સંબંધી, તેની સેવા કીધી;
‘દેવાનંદ’ કહે સાધુજનની તેં સેવા ત્યજી દીધી રે. પામર૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 156)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
