રહોને પવનાં પલ ઘડી
Rahone pavana pal ghadi
જેરામદાસ
Jeramdas
જેરામદાસ
Jeramdas
રહોને પવનાં પલ ઘડી, તમે રહો આજની રાતડિયાં;
મારા દિલની બૂજ વિનંતી, કરી લે હંસા વાતડિયાં.
કમર બાંધીને હાલ્યો હંસો, કાયાનગરી તરછોડી;
મરતલોકમા હુવો સંગોળા, આવ્યો આપણે દો જોડી. રહોને૦
આ કાયાને લાડ લડાવ્યા, બહુ જતને કરી જાળવિયાં?
તમે ભાર ભરી હાલ્યા પ્રાણિયા, અમને કોને ભાળવિયા. રહોને૦
કાયાસુંદરી રૂવે રુદન કરી, અમે અબળા બહુ તરવરિયાં;
વા'લે અમને મેલ્યાં વનમાં, ગયો આતમા રડવડિયાં. રહોને૦
સગું કુટુંબ તને લૂંટવા લાગ્યું, સોળસેં વાઘા સજી કરી;
તમે રાણિયા હાલ્યા પ્રાણિયા, મસાણ ભોમે પરજળિયાં. રહોને૦
આયા રઘુપતિ છેડે પ્રાણિયા, ઉજ્જડ કરો હો ગામડિયા;
‘દાસ જયરામ’ રામને શરણે, ગુણ ગાઈ ચરણે પડિયાં. રહોને૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 206)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
