સર્વ પતિતમાં હું બહુ પાપી

Sarv patitma hu bahu papi

જેરામદાસ જેરામદાસ
સર્વ પતિતમાં હું બહુ પાપી
જેરામદાસ

સર્વ પતિતમાં હું બહુ પાપી, વિષય વિરાજ્યો થાય ઉથાપી;

એવા અવગુણ મુજમાં ભારી, તે તમે જાણો દેવ મોરારિ.

અશરણશરણ હો વ્રજ સંભાળો, આવ્યો ચરણે ફેરો ટાળો?

ફરી ફરીને કાયો સ્વામી, ભવદુખ પામ્યો અંતરજામી.

મતપંથ મેં સરવે જેયા, સતસંગ વિના ફિરિ વગોયા;

હું હું કરતા ના મળે હરિ, જઈ ભગવે ચોરાશી ફરી.

એવા મત તો જગમાં બહુ, સમજણ વિના ભૂલ્યા સહુ;

સમજણ છે સદ્ગુરુની પાસ, સંત મુખેથી થાય પ્રકાશ.

એવા સંત તો ત્યારે મળે, જ્યારે સદ્ગુરુ કરુણા કે;

મુજ પર જ્યારે કીધી મહેર, મેલ્યાં મા’જન મારે ઘેર.

મુજને આવી કહ્યું એમ, આઠે અવસર ભૂલ્યો કેમ?

ત્યારે કહ્યું સુણો જગદીશ, મને મેલો માં રે ઈશ.

ત્યારે કહીએ તે વચન માન, અમે કહીએ તુજને સાન;

સ્વામી પ્રગટ્યા પૂરણબ્રહ્મ, તું જઈ લેને તેનું શર્ણ.

જન્મ મરણ તો છૂટી રહ્યાં, ને બીજે કુશળ નથી ક્યાં;

દારૂ માટી ચોરી અનેરી; વટલવું વટલાવવું ના રમેરી.

પંચ વર્તમાન તું હૃદે ધરજે, પછે કહીએ તેવું કરજે;

તો ઈશ્વરની થાશે મે'ર ને જમરાજ-શું ટળશે વેર.

ત્યારે થાશે આનંદ ભારી, બ્રહ્મમહેલની ઊઘડશે બારી;

તેમાં જઈને સુખથી રે', મુખે નામ નારાયણ લે.

હવે નહિ જઈએ વહેતે પૂર, મળિયા પ્રભુ પ્રગટ હજૂર;

‘જેરામદાસ’ કહે મળિયા રામ, ત્યારે સર્યાં હમારાં કામ.

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 206)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963