તારે માથે નગારાં વાગે મોતનાં
Tare mathe nagara vage motana
દેવાનંદ
Devanand
દેવાનંદ
Devanand
તારે માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિર્ધાર,
તોય જાણ્યા નહિ જગદીશને રે.
મોટા મેલીને રાજ મરી ગયા, જોને જાતાં ન લાગી વાર. તોય૦
તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ. તોય૦
અંતકાળે લેવાને જમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેશ. તોય૦
રોમ કોટિ વીછુ તણી વેદના રે, દુ:ખ પામ્યો તું દૈવના ચોર. તોય૦
સગાં સ્વાર્થી મળ્યાં સરવે લૂંટવા રે, તેનું જરાયે ન ચાલે જોર. તોય૦
જીભ ટૂંકી પડી ને તૂટી નાડીઓ રે, થયું દેહ તજ્યાનું તત્કાળ. તોય૦
‘દેવાનંદ’ કહે નવ જાણ્યા મારા નાથને રે, મળ્યો મનુષ્યનો દેહ વિશાળ. તોય૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 117)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
