ખટપટને ખટપટવા દે

khatpatne khatpatva de

અખો અખો
ખટપટને ખટપટવા દે
અખો

ધામધૂમ તે ધનનો ધગા, મોહઅહંકાર મેલીને ગા;

માવઠે મે' વરસે ગડગડે, ફળ ઊમટે ને લાગ્યાં પડે.

રત વિના કરશણ ક્યાંથી ફળે? એમ અખા હરિ ક્યાંથી મળે?

ખટપટને ખટપટવા દે, તું અળગે આવી પ્રીછી લે.

જંગી ઢોલ ઘણા ગડગડે, ત્યાં ઝીણી વાત કાને પડે;

નિરદાવાના જનને ખોળ, તે અખે બેસારે બોલે બોલ.

પાને પોથે લખિયા હરિ, જેમ વેળુમાં ખાંડ વીખરી;

સંતે ખાધી કીડી થઈ અને વંચકે તે સબુધી વહી.

તે માટે તે તેવા રહ્યા, અખા સંત પારંગત થયા.

વાત અલૌકિક અનુભવ તણી, પ્રપંચ પારે રહેણ આપણી;

પંખી ઓછાયો પડિયો જાળ, પણ પોતે ઊડે અલગ નિરાળ;

અખા જ્ઞાનીની એવી કળા, વર્ત્યા જાય તે ઉપરછલા.

ઉપરછલો મારગ લે અખા, નહિ કો સાથી, નહિ કો સખા,

ધણી થયામાં સઘળો ધંધ, જેમ રૂપ નહિ દેખે અંધ;

ગગનગામીને નહિ અટકાવ, ભૂવર્તીને બહુ ભેદભાવ.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941