આ વાદળ છે કે સસલાં?

ક્યાંય ઘડીમાં જાય છે પ્હોંચી,

કેમ ભરે એ ડગલાં?

સૂરજ પાસે જાય, ન સૂરજ એને તોય દઝાડે,

દોડમદોડી કરતાં એ તો ચાંદાને સંતાડે,

લાગે એવાં આભે જાણે ખડક્યા રૂના ઢગલા!

આ વાદળ છે કે સસલાં?

વરસાવે ચોમાસે મીઠું-મીઠું જળ ધરતી પર...

જળથી એનાં સૃષ્ટિ પળમાં થાતી કેવી સુંદર!

રાજી-રાજી મોર અને ગાતાં ચક્ ચક્ ચક્ ચકલાં!

આ વાદળ છે કે સસલાં?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી બાળકાવ્યચયન : ૨૦૦૬ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : નટવર પટેલ
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2008