(ઢાળ: શુદ્ધ બુદ્ધ સુંદર નિરંતર...)

ઝબકું અંધાર-ઘેર આભે વીજલડી,

આજે વીજલડી હું ઝબકું એકલડી.—ઝબકું.

ચમકારા શ્વેત શ્વેત વાંકડિયા-વેરતી,

નૂતન સંદેશ રસિક હૃદયે હું પ્રેરતી. —ઝબકું...

ઝરમરિયા ગીત-લ્હાવ માંહ્યે હું રેલું,

દુંદુભિનાદ માંહ્ય ખેલ નવીન ખેલું. —ઝબકું...

નાનકડી છું છતાંયે બલ અતુલ ધારું,

જ્યોતિ ઝબકાવું ઠેર ઠેર અતિ ચારુ. —ઝબકું...

ઝાડ તોડું, તાડ તોડું, પહાડને ય પાડું,

સ્પર્શે જો કોઈ તો તો સ્વર્ગે પહોંચાડું. —ઝબકું...

કૃષ્ણ કેરી બેનડી, હું આભે અલબેલડી,

બાલ-ખેલ ખેલડી પ્રભુ કાજે ઘેલડી. —ઝબકું...

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945