મારી જમણી હથેળીના ખરબચડા ખાલીપાની વચ્ચોવચ

આવીને બેસે છે એક નાનકડું પતંગિયું

સુકાયેલાં પાંદડાંની પાંખો લઈને

બે ઘડી આશ્ચર્યથી જોઈ રહું છું પહેલાં એને

ને પછી બાલ્કનીમાં મારી બાજુમાં

નાક હવામાં રાખી ઝૂલતા મોગરા, ગુલાબ,

ને બાજુમાં થોડા શરમાઈને ખીલેલા જાસૂદને,

ને વળી પાછી બમણા આશ્ચર્યથી તાકું છું

મારી માટીરંગી હથેળી પર

એવી સુક્કી, બદામી, રેતરંગી, બંધ પાંખો,

ને એની પરની અસ્તવ્યસ્ત રેખાઓમાં અટવાઈને

જાણે અહીં ભૂલા પડેલા પેલા પતંગિયાને.

સાચવીને હથેળી ઘસડી જાઉં છું

રાતા ગુલાબની લગોલગ

હાથ સ્હેજ થરકાવી

આંગળીઓ ઊંચીનીચી કરી પ્રયત્ન કરું છું

એને એની મઘમઘતી દુનિયા સુધી પહોંચાડવાનો

પણ ચલિત થતું નથી

એટલે ધીમેથી ખેંચી હથેળી લઈ જાઉં છું

બાલ્કનીની બહાર,

એની ટચૂકડી આંખોમાં બે ઘડી પડઘાય છે

વિશાળ, વાદળ વિનાનું, નકરું ભૂરું આકાશ

અને એમાં ચકરાવા લેતી બ્રાહ્મિની સમડીના અવાજો

“નગીહહ... નગીહહ...

થથરે છે એની ગભરુ પાંખ જરીક

કોઈ કોશેટાની દીવાલનો ટેકો શોધતી

થોડી વધારે જોરથી બિડાય છે.

ઊડવાનું નામ નથી લેતું.

કઈ અદૃશ્ય નાળ એને મારી હથેળી સાથે આમ જોડી ગઈ છે

જેને છેદવાની મારામાં હિંમત નથી

વિચારતાં ખુલ્લી હથેળીને ખોળામાં રાખી

પાછી બેસી જાઉં છું બાલ્કનીની ખુરશીમાં

નિરાંતનો શ્વાસ લેતી પાંખ જરીક અમસ્તી ખૂલે છે

ને વચમાંની સાંકડી જગ્યામાંથી

એક લાંબા નિસાસાની જેમ વહી આવે છે

માછલીઓની આંખોમાં ઊગતા પરવાળાના,

દરિયાના તળિયે છીપલાની અંદર છુપાયેલા

એનાથીય અજાણ્યા સાહસના

નહીં ખૂંદેલા આકાશના,

એક અટૂલા જંગલના તરફડાટના,

ઊડવાથી ડરતા પતંગિયાની પાંખના

એની પાનખરી આંખોમાં હજુ ઝબકતા ઝાંખા અજવાસના...

સુનામીની જેમ ઘેરી વળે છે મને ગૂંગળાવતા

ને હું ફટ કરીને મુઠ્ઠી બંધ કરી લઉં છું.

સ્રોત

  • પુસ્તક : નરસંહારના સમયમાં પ્રેમ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025