એક ક્ષણ

Ek Kshan

વિપિન પરીખ વિપિન પરીખ
એક ક્ષણ
વિપિન પરીખ

ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં

બિલાડીનાં બચ્ચાં બની જઈએ છીએ.

ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈ એકમેકને વીંટળાઈ વળીએ છીએ.

ના, ના,

તે ક્ષણે આપણને શરીર ક્યાં હોય છે?

તું હરહંમેશ મને એનો પ્રશ્ન ફરી ફરી પૂછે છે :

“તમે મને ભૂલી તો નહીં જાઓને?”

હું ઢોંગ કરીને કહું છું, “હા, ભૂલી જઈશ”

અને

આપણે ખડખડાટ હસી પડીએ છીએ.

ત્યારે

તું ડાબા હાથે સૂર્યને પૂર્વ ક્ષિતિજ ઉપર રોકી રાખે છે

અને કહે છે :

(મારા મોં ઉપર હાથ મૂકી કહે છે)

“પાછા બોલો તો?”

તે ક્ષણે

આપણે બે ગુલાબનાં ફૂલ હોઈએ છીએ

ના, તે ક્ષણે

આપણે માત્ર સુવાસ હોઈએ છીએ.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑક્ટોબર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ