હે મારા સહધર્મકર્મચારીઓ

he mara sahdharmkarmchario

સરુપ ધ્રુવ સરુપ ધ્રુવ
હે મારા સહધર્મકર્મચારીઓ
સરુપ ધ્રુવ

આ આપણે...

એક્કકો ટાપુ બનાવીને બેસી ગયા છીએ.

આ જુઓને,

એ તો મને આવડે–કરીને!

કક્કોબારાખડીની જીગસો પઝલ

હાથમાંથી સરકી સરકીને

ક્યારે રેતી, માટી, કંકર, પથ્થર બની ગઈ એનીયે સરત ના રહી!

આ પેલે ખૂણે ઊગી ગયા આઠવીસું આંબા

અને સામે ખૂણે જુઓ તો

અડીખમ ડુંગર...

ઢળકતા ઢાળ ઉપર

ધરોની જેમ ફૂટી નીકળ્યાં ઘર

અને પછી તો અડાબીડ ભીંતો

અને ઉપર છત-છાપરાં...

આ તમારો,

ને આ મારો ખૂણો!

જો થઈ છે!

આમ માંડીને વાત કરવાનો

એકેકો તરાપોય તૈયાર ચે આપણી પાસે.

એ તો ઠીક છે કે હાલે ત્યાં સુધી તો કે’ હલામણ જેઠવો!

પણ ન કરે...ને કૈંક થાય ને આ ટાપુ

તડકે તપવા આડો પડેલો મગરમચ્છ જ નીકળી પડે તો?!

પળવારમાં પાણીમાં ડૂબકી

અને ક્વચિત્ ઊછળતો કુવારો...

આ હું-તમે-એ-તે-બધાંય તે...

સ્રોત

  • પુસ્તક : મારા હાથની વાત (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સર્જક : સરૂપ ધ્રુવ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982