હું ડૂબું છું

hun duubun chhun

સુરેશ જોષી સુરેશ જોષી
હું ડૂબું છું
સુરેશ જોષી

હું ડૂબું છું

ઉન્નિદ્ર નયનોની સ્નેહહીન શુષ્ક ઉષરતાના પાતાળમાં,

નિઃશ્વાસથી ધસી પડેલી શબ્દોની ભેખડોના ભંગારમાં;

ખરી જતાં ગુલાબોની પાંખડીઓમાંથી રઝળી પડેલા અનાથ અવકાશમાં,

ફળના ગર્ભમાં રહેલા કીટની નિઃસંગ બુભુક્ષાના અન્ધ કલણમાં;

ઘુવડે નસ્તર મૂકીને ફોડેલા રાત્રિના પુષ્ટ વ્રણના ઉષ્ણ દ્રવમાં;

હજાર ગરુડોની પ્રસારેલી પાંખોનાં ઊછળતાં મોજાંમાં

ક્ષિતિજના વલયની અશ્રુભંગુર ખંડિતતામાં,

આપણા ગુંથાયેલા હાથ વચ્ચેથી ઘૂઘવતી નિર્જનતામાં,

મારા જ બે દૃષ્ટિક્ષેપ વચ્ચેની અગાધ અપરિચિતતામાં;

વિસ્મૃતિના હળાહળને તળિયે ફુગાઈ ઊઠીને

હું તરી નીકળું છું.

સ્રોત

  • પુસ્તક : સુરેશ જોષી સંચય (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : શિરીષ પંચાલ, જયંત પારેખ
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 1992