કાગળના પપ્પા

kagalnaa pappa

પ્રતિષ્ઠા પંડ્યા પ્રતિષ્ઠા પંડ્યા
કાગળના પપ્પા
પ્રતિષ્ઠા પંડ્યા

પપ્પાની ઑફિસમાં માંડ એકાદી દીવાલ દેખાય

જ્યાં જુઓ ત્યાં ચોપડીઓ, બ્રીફો ને કાગળિયાં

લેજર પેપર, સ્ટેમ્પ પેપર, લેટર પૅડ

કોઈ લખેલાં, કોઈ ટાઇપ કરેલાં, કોઈ સાવ કોરાં,

કોઈ એક બાજુ લખેલા પણ બીજી-બાજુ-ક્યારેક-કંઈક-લખવા-કામ-લાગે કરીને માએ સાચવેલાં,

જૂના-નવા કેસના વચમાંથી વાળી લાલ દોરીએ બાંધેલાં.

કાગળના દરિયામાં પપ્પાની ઑફિસ

પણ એકેયની કાપીકૂપીને હોડી કરીએ તો મર્યા સમજો.

પપ્પા ઑફિસમાંથી ઘરે આવે પછી

માની સાથે બેસીને ખોવાય

એક બીજા કાગળના ઢગલામાં

ટપાલમાં આવેલા કામના, સગા-સંબંધીઓના,

સાસરેથી છુપાઈને દીકરીએ મોકલેલા કાગળ…

રાતે જમ્યા પછી ખાટલાની પડખે ઊભા કબાટમાંથી

આવી પથરાય પપ્પાના ઓશીકાની આસપાસ

વાર્તાની, કવિતાઓની, નિબંધોની ચોપડીઓના કાગળ

ધીમેધીમે ઑફિસ છૂટી,

વકીલાત ખૂટી

આંખો ફૂટી

હવે બહાર આવ્યા મૅગ્નિફાઇંગ ગ્લાસ સાથે

માળિયામાં પેટીએ પૂરેલા દાદાએ લખેલા,

દાદાને કોઈએ લખેલા કાગળો,

ભોંયરાના કબાટમાં સચવાયેલી ડાયરીઓ

એમનાં રચેલાં મંગલાષ્ટકની ફાઈલો

કાગળની વચમાં રહીરહીને પપ્પા પોતે

ક્યારે કાગળ થઈ ગયા ખબર પડી.

સાચવી સાચવીને ઝાલું હાથમાં

બરડ કાગળ પપ્પા

ઝાંખાઝાંખા અડધાભૂસ્યા

અક્ષરવીંટ્યો જૂનો પીળો કાગળ પપ્પા

એક નિસાસે ઊડે હવામાં અધ્ધર

હલકોફૂલકો કાગળ પપ્પા

આંસુનાં ટીપાંએ ખરીખરીને કરિયાં શાહીનાં ડપકાં વચમાં

અડધો ઊકલ્યો, અડધો વણઊકલ્યો

ભૂરો કાગળ પપ્પા.

વાંચતાં પહેલાં ઝાલી લઉં હું નાકની પાસે

ને ભરું શ્વાસ એક ઊંડો

તો આવે જેમાંથી ધસમસ વહેતી મારા

પિયરિયાંની વાસ, કાગળ પપ્પા.

ઘણા કોડ કરીને રાખું માની રેશમની સાડીની વચમાં

ને તોયે રોજે કણકણ થઈ વીખરાય

કાગળ પપ્પા.

સ્રોત

  • પુસ્તક : નરસંહારના સમયમાં પ્રેમ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025