મારા જેવી સ્ત્રીઓ

maaraa jevii striio

પ્રતિષ્ઠા પંડ્યા પ્રતિષ્ઠા પંડ્યા
મારા જેવી સ્ત્રીઓ
પ્રતિષ્ઠા પંડ્યા

મેં જોઈ છે સ્ત્રીઓ

મરવાના વાંકે જીવતી

સાડીનો કછોટો વાળી

લઈ ઊંડા બે-એક શ્વાસ

સવાર-સવારમાં મીંચી આંખો ઝંપલાવતી

કોઈ અજાણ્યા દરિયાના

પથરાળ તળિયે

વાઢિયાભર્યા પગે

લણતી ભીની, લિસ્સી, લીલી આવતી કાલ

એનાં કકળતાં, ઊંઘ-ભૂખ્યાં છોકરાં માટે.

મેં જોઈ છે સ્ત્રીઓ

લોખંડી ને બરડ આશાઓના લાંબા વાંસ લઈ

ગંધાતાં ખુલ્લાં નાળાંમાંથી

શોધીને, સાચવીને, નિતારીને કાઢતી

વપરાયેલી, ફેંકાઈ ગયેલી

પ્લાસ્ટિકની, કાચની બાટલીઓ

એની અંદર રહી ગયેલાં

ઇચ્છાઓનાં થોડાં ટીપાં ખાતર

જે એની દીકરી કદી ચાખવા નથી પામી.

મેં જોઈ છે સ્ત્રીઓ

હારેલી, થાકેલી

દિવસના અંતે એને આખો ઊંધો કરી

ઠાલવી બધો કચરો ફૂટપાથ પર

વીણતી સપનાં અંદર

અડધા ચાંદાના ઝાંખા અજવાળે.

મેં જોઈ છે સ્ત્રીઓ

મારાથી સાવ અળગી ને છતાંય.

અદ્દલ મારા જેવી સ્ત્રીઓ.

સ્રોત

  • પુસ્તક : નરસંહારના સમયમાં પ્રેમ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025