સોગઠાનો ગરબો

Soratha no garbo

નાકર નાકર
સોગઠાનો ગરબો
નાકર

અંબકાલાલ આવો ની અલબેલા રમીએ શોકટે રે

બેશીએ સાંહામસાંહાંમાં સહીઆરીની પઠે રે ॥ ૧

હોડિ બદીયે હારે તેહને શું કરવું ઘટે રે

પુઠિ પુઠે ઉઠીએ તો જંજાલ મિટે રે ॥ ૨

ચોર્યા ચીપ્યાના તો સમ ખાઈએ આકરા રે

લજ્જા રમતાં રાખવી નહીં જો ઠાકરા રે ॥ ૩

મહારી રાતી નીલી કાલી પીલી તમ તણી રે

પાસા ખલભલાવી નાખવા ભીરુ ભણી રે ॥ ૪

આઠ કાચી યે હરાવું દા તો હું ખરી રે

પાસા ચીપી નાખો તો દા નંખાવું ફરી રે ॥ ૫

સારી ઘોડે છકેં ચોકેં તો મૂકું નહીં રે:

ઘાત છપગડી ત્રપગડી જાલવું સહી રે ॥ ૬

રોઈ ખાઓ તો તમ સાથે હું રમું નહીં રે

પાસો હેઠો પડશે તોહના (તેહનો તે ?) તે દા ગ્યો સહી રે ॥ ૭

મા તારે મંચકથી સારી ઉતરવા નહીં દેયુ રે

તહ્મારી પાકવા આવે તો જાણું સર્વે ગયું રે ॥ ૮

જાડ કરીશ તો માહારી રાતી નીલી નહીં મરે રે

છૂટી રાખીશ તો કાલી પીલી પૂઠે ફરે રે ॥ ૯

રમતાં પાણી પીવા માહારે ઊઠવું નહીં રે

કુંભ ઘીનો ઢલતો હોલ (ય ?) તો ન જાવું સહી રે ॥ ૧૦

રમતાં જીતીએ જો એક ચીત રાખીયે રે

જોઈએ દા તે પ્રાર્થી પાસાને નાંખીએ રે ॥ ૧૧

રમીએ ત્યાંહાં સુધી આપણ ચાકર પાસા તણાં રે

રમતાં નુના ધ્વતો (ઘૂત ?) કો નહીં શરખાં બે જણાં રે ॥ ૧૨

હારશો ત્યવ્હારે મોહ એહવું તો નહીં રહે રે

હારે તે તો પાટ શોકઠાં શીશે વહે રે ॥ ૧૩

હારશો તિવારાં તો હઇઊ ભઈ આવશે રે

તિવારાં હાર્યા કહીને લોક ટાલોટા પાડશે રે ॥ ૧૪

હારશો ત્યવ્હારાં હશું આવશે નહીં રે

અબલા સાથે તે શું હાર્યા સહુ કેહેશે સહી રે ॥ ૧૫

હાડિ (હૉડ, હોડિ) હાર્યાની લેતાં તો શર્મ નહીં ગણું રે

રમતાં હાર્યાનાથી દુઃખ બીજું નહીં ઘણું રે ॥ ૧૬

પ્રાંણે પ્રાંણે હસું આવે હાર્યા જન્નને રે

પણ હૈયામાં હોલી શરખું લાગે મનને રે ॥ ૧૭

રમતાં રાજા ને રાંક એક હારિમાં રે

અભિમાંન ખેલમાં નહીં એહ વેવ્હારમાં રે ॥ ૧૮

પર્ઠ એહવો પરઠીને ચાલ માંડીઓ રે

સારી કૃષ્ણની રાધાએ સઘલી ખાંડીઓ રે ॥ ૧૯

કૃષ્ણ શોકઠી મરાવે જાણી જોઈને રે

જાંણું પ્રેમ એહના શરખો નથી કોઈને રે ॥ ૨૦

જાણી જોઈને તાર્યા (હાર્યા ?) તો હરજી ખરા રે

રાધા હાર્યો તમ સાથે કહે છે ધરણીધરા રે ॥ ૨૧

હું ને તાહારા સરખુ રમતાં આવડતું નથી રે

હોડિ હાર્યાની હું આપું જે તહો (તમ્હો/તમો ?) કહો કથી રે ॥ ૨૨

કોહો તો આ(ચા ?)કર થૈ ને ચાકરી કરું ઘણી રે

કોહો તો લ્યખી આપું તનમનના તમો ધણી રે ॥ ૨૩

હાર્યો તમ સાથે તો બે (તે ?) માહારે માન્ય શું રે

તહ્મને સર્વ સમરપણ કરતાં માહારે જાંન શું રે ॥ ૨૪

વચન કૃષ્ણનાં શુંણી તે રાધાજી હશાં રે

મીઠાં લાગાં તે ચીતમાં અમી જશાં રે ॥ ૨૫

વેણ્ય આકરાં કહ્યાં મેં તહ્મને ખેલતાં રે

ચીત ભા છું (માં છે) તે શર્મ થાએ મેલતાં રે ॥ ૨૬

હવે હું હારી ને દાશી થાઊં તમ તણી રે

હોડિ આપું મોહ માગો તે થકી ઘણી રે ॥ ૨૭

માહારા સાહબ છો તે હાર્યો તહ્મને કિમ કહું રે

અલબેલાલાલ આગળ ઊભી થૈ રહું રે ॥ ૨૮

એમ (એમ) રાધા ને રઘુનાથ શોકઠે રમ્યાં રે

નેન અમીઆં ભરી યે માહામાં રમ્યાં રે ॥ ૨૯

નાકર (કર) જોડીને કહે છે સાધુસંતને રે

ભાવે ભજીયે નિત્યે રુક્મણીના કંથને રે ॥ ૩૦

ગરબો ગાઈએ તો ક્યેહીએ હારીએ નહીં રે

રાધાકૃષ્ણજીને ચર્ણે તો રહીએ સહી રે ॥ ૩૧

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998