આવો જી, આવો જી

Aavo Ji, Aavo ji

સુન્દરમ્ સુન્દરમ્
આવો જી, આવો જી
સુન્દરમ્

અલકમલક તારી આંખડિયે

તારી ચાખડિયે ચૌદ લોક;

આવો જી, આવો જી અમ આંગણિયે.

સૂની રે ધરતીના સૂના ચોક રે, રાજાજી મારા,

સૂનાં રે ચૌટાં ને સૂનાં હાટ;

સૂની રે સૂની મારી કુંજોની કચેરીઓ

સૂના રે અમારા જળઘાટ. આવો જી, આવો જી...

એવાં તે અમારાં કિયાં હશે રે કરતૂત, રાજા?

એવા કિયા રે હશે દોષ?

અમારાં અધૂરિયાંનાં અડપલાં નહિ જોશો,

દેવના દિલે હોય રોષ. આવો જી, આવો જી...

તમે રે અમોને દીધા સૂરજ સિતારા, રાજા,

દીધાં રે પવન અને નીર;

મનખામાં મન એક અમૂલખ દીધું હવે,

ઊતરો અંતરિયાને તીર. આવો જી, આવો જી...

સાંજને સમે રે તારાં સમણાં જાગે જી, રાજા,

સવારે સ્ફુરે રે તારાં ગાન;

માઝમ રાતે રે તારી રટણા રમંતી, હવે

ઉતારો તમારાં જી વિમાન. આવો જી, આવો જી...

અમારા દીવા તારે ચરણે ધરીશું, રાજા,

અમારાં રતન તારે કંઠ;

અમારી પ્રીત્યુંનાં તારાં પારણાં કરીશું દેવ,

હવે દિયો ને દરસ સ્વયમેવ. આવો જી, આવો જી...

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004