અધૂરું આયખું

adhuurun aaykhun

નિનુ મઝુમદાર નિનુ મઝુમદાર
અધૂરું આયખું
નિનુ મઝુમદાર

સાવ રે અધૂરું મારું આયખું!

હે જી એના બાકી છે રે કોડ અપરંપાર રે

ભાઈ! એને ગગન ભરીને દીધો વાયરો

તોયે એના ખૂટે છે રે શ્વાસ વારંવાર રે

એવું સાવ રે અધૂરું મારું આયખું!

ભાઈ! એને સાતે સાયર પાણીડાં સીંચાવતા

તોયે એની આખ્યુંમાં છે આંસુડાં બે ચાર રે

એવું સાવ રે અધૂરું મારું આયખું!

ભાઈ! તો સૂરજચાંદાને તેજે ઊજળું

તોયે એની ભીતર છે કાળો અંધકાર રે

એવું સાવ રે અધૂરું મારું આયખું!

ભાઈ! તો અનંતનો અંત લાવે નામથી

હે જી એણે નિરંજનને કીધો છે સાકાર રે

એવું સાવ રે અધૂરું મારું આયખું!

સ્રોત

  • પુસ્તક : નિરમાળ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : નિનુ મઝુમદાર
  • પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
  • વર્ષ : 1966