બેઠા તે ઘાટનું

bethaa te ghaatnun

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
બેઠા તે ઘાટનું
મનોહર ત્રિવેદી

બેઠા તે ઘાટનું મકાન હતું ગામમાં ને દૂર સીમે નાની તળાવડી

એવું પણ ધારવાના દિવસો ઝૂંટવાઈ ગયા : હોય ખીલે એક ગીર-ગાવડી.

ભેળા રે'વાનું સુખ કોને કહેવાય?-

વાત માંડું તો કોઈ ના સાંભળે

સાંભળે ના લગરીકે એટલું કહું કે

ઘી-ની સોડમ સચવાઈ છે આંગળે

મે'માનું આવવાના વાવડ દેતીક હસી ઊઠે ચૂલાની તાવડી-

ઝાંખી આંખથી હું ચોખ્ખુંચટ ભાળું છું

ફળિયાનાં મેલખાયાં રુસણાં

આઘેથી ડેલીમાં જોઈ દેર-દેરાણી

ઓછાં ઓછાં રે થાય દુઃખણાં

દૂધભર્યા તાંસળામાં આંગળી ઝબોળીને મીઠપને ઘોળે છે માવડી-

રસ્તો તો ઠીક, અહીં આવડા શહેરની

ભીડ વચ્ચે બે પગ ક્યાં મૂકું?

દખણાદા ખેતરને લીલુંછમ જોઉં છું

હોય ભલે વૈશાખે સૂકું

એવામાં નાનકડી લહેરખી જ્યાં અડકી તો થૈ ગઈ રે પાવનપાવડી-

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૨૩ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન