ચરણ રુકે ત્યાં કાશી

charan ruke tyaan kaashii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
ચરણ રુકે ત્યાં કાશી
હરીન્દ્ર દવે

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી.

ઝાકળના બિંદુમાં જોયો

ગંગાનો જલરાશિ.

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,

જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;

થીર રહું તો સરકે ધરતી,

હું તો નિત્ય પ્રવાસી.

સ્પરશું તો સાકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,

હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;

હું જ કદી લપટાઉં જાળમાં,

હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન;

કદી અયાચક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;

મોત લઉં હું માગી, જે પળ,

લઉં સુધારસ પ્રાશી!

સ્રોત

  • પુસ્તક : ચાલ, વરસાદની મોસમ છે (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સર્જક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ
  • વર્ષ : 1999