ફરી ફરી દેવ દેજો

Fari fari Dev Dejo

રમેશ જાની રમેશ જાની
ફરી ફરી દેવ દેજો
રમેશ જાની

રે ધરતી ને રે આભની સંગાથે

મારે પેલા તે ભવ કેરી પ્રીત :

રૂડાં સમદર એના, રૂડાં નદીઓનવાણ,

રૂડી એના માનવીની રીત.

ઉરને તે ફાગે ફૂલ્યાં ફૂલડાંની રમણાને

પીંખી નાખે વિધિ કેરી કારમી તે શીત :

નેહભીનાં નેણે ફરી જાગતા કો શમણાંને

નીરખીને રોમરોમ નાચી ઊઠે ગીત.

રાગ ને વિરાગ કેરા સોમ ને સૂરજ ઊગે,

તારલાની ભાત અગણિત :

દિનનાં અજવાળાં, ઘેરાં રાતનાં અંધારાં

મારા મનખાનાં મોંઘેરાં રે ચીત.

વખડાં ઘોળી ઘોળીને અમરત કીધાં

એવા રૂદિયાની જાણી પરતીત :

કાય કેરી વેલડીને અગને ઓવારી નાખે

એવી દીઠી આતમની જીત.

ફરી ફરી દેવ દેજો એનાં રે વરદાન,

મારે ધરતી ને આભ સાથે

પેલા તે ભવ કેરી પ્રીત :

દોહ્યલાં ને સોહ્યલાં રે તોય ભોળાં માનવીની

અંતરે અંકાઈ ગઈ રીત.

રે ધરતી ને રે આભની સંગાથે

મારે પેલા તે ભવ કેરી પ્રીત.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપ્રયાગ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : સુમન પ્રકાશન, મુંબઈ
  • વર્ષ : 1978