ફરી જોબનિયું આપે

fari jobaniyu aape

નર્મદ નર્મદ
ફરી જોબનિયું આપે
નર્મદ

ફરી જોબનિયું આપે, હરિ તું ફરી જોબનિયું આપે;

હિંદદેશને થાપે, હરિ તું નિજ કરીને થાપે. ટેક

ભર જોબનમાં બન્યો વૃદ્ધ તે, તારે યોગ્ય શરાપે. હરિ...

તન મન ધન તે ગુમાવી બેઠો, મદ આળસને પાપે. હરિ...

વીલે મોઢે તે રઝળે ટટળે, રિબાયે ત્રણ તાપે. હરિ...

ભણ્યો શુર તે આજ જણાયે વ્હેમી કાયર છાપે. હરિ...

પુત્રપુત્રી યશ અલા૫ કરતો, તે રોયે વિલાપે. હરિ...

શિક્ષા ઘટતી થઈને લાગી, તું વણ કો દુઃખ કાપે? હરિ...

પસ્તાતા ડાહ્યા પર કરવી કૃપા હવે માબાપે. હરિ...

ડૂબ્યું નામ તે ઝટ તરી આવે, કીર્તિ જગે ફરી વ્યાપે. હરિ...

હિંદદેશ માનીતો તારો, પ્રથમ થકી અમાપે. હરિ...

ભણી ભણી શૂર થઈ તે લે જશ, નર્મદ બ્રહ્મપ્રતાપે. હરિ...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941