ઘણ રે બોલે ને—

ghan re bole ne

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
ઘણ રે બોલે ને—
ઝવેરચંદ મેઘાણી

ઘણ રે બોલે ને એરણ સાંભળે હોજી.

બંધુડો બોલે ને બેનડ સાંભળે હોજી.

જી સાંભળે વેદનાની વાત,

વેણે રે વેણે હો સત ફૂલડાં ઝરે હોજી.

બહુ દિન ઘડી રે તલવાર.

ઘડી કાંઈ તોપો ને મનવાર,

પાંચ સાત શૂરાના જયકાર

કાજ ખૂબ ખેલાણા સંહાર, હો એરણ બહેની ઘણ રે..

પોકારે જમીનાં કણ કણ કારમાં હોજી,

પોકારે પાણીડાં પારાવારનાં હોજી,

જળથળ પોકારે થરથરી;

કબરોની જગ્યા રહી નવ જરી,

ભીંસોભીંસ ખાંભીઓ ખૂબ ભરી;

હાય તોય તોપો રહી નવ ચરી, હો એરણ બહેની ઘણ રે..

ભઠ્ઠીઓ જલે રે બળતા પો'રની હોજી.

ધમણ્યો ધમે રે ધખતા પો'રની હોજી.

ખન ખન અંગારે ઓરાણા,

કસબી ને કારીગર ભરખાણા,

ક્રોડ નર જીવંતા બફાણા,

તોય પૂરા રોટા નવ શેકાણા હો એરણ બેની ઘણ રે..

હથોડા પડે રે આજ જેના હાથના હોજી,

તનડાં તૂટે રે આજ જેની કાયનાં હોજી.

સોઈ નર હાંફીને આજ ઊભો,

ઘટડામાં ઘડે એક મનસૂબો :

બાળ મારાં માગે અન્ન કેરી દેગ;

દેવે કોણ, દાતરડું કે તેગ? હો એરણ બહેની ઘણ રે..

આજુથી નવેલાં ઘડતર માંડવાં હોજી,

ખડગ ખાંડાંને કણ કણ ખાંડવાં હોજી.

ખાંડી ખાંડી ઘડો હળ કેરાં સાજ!

ઝીણી રૂડી દાતરડીનાં રાજ,

આજ ખંડખંડોમાં મંડાય,

એણી પેરે આપણ તેડાં થાય, હો એરણ બહેની ઘણ રે..

ઘડો હો બાળક કેરાં ઘોડિયાં હોજી.

ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હોજી.

ભાઈ મારા! ગાળીને તોપગોળા

ઘડો સુઈ મોચીના સંચ બો'ળા :

ઘડો રાંક રેંટુડાની આરો,

ઘડો દેવ-તંબૂરાના તારો, હો એરણ બહેની ઘણ રે..

ભાંગો હો ભાંગો હો રથ રણજોધના હોજી.

પાવળડાં ઘડો હો છોરુડાંનાં દૂધનાં હોજી.

ભાઈ મારા લુવારી! ભડ રે'જે,

આજ છેલ્લી વેળાના ઘાવ દેજે,

ઘાયે ઘાયે સંભાર્યે ઘટડામાં,

ક્રોડ ક્રોડ શોષિતો દુનિયાનાં, હો એરણ બહેની ઘણ રે..

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941