હવે ક્યારે બોલાવશો?

have kyaare bolaavsho?

વિનોદ જોશી વિનોદ જોશી
હવે ક્યારે બોલાવશો?
વિનોદ જોશી

પલળી પલળીને અમે પોચાં થિયાં

હવે ક્યારે બોલાવશો?

ઉંબરમાં સૂનમૂન બેઠો ઉજાગરો,

ને શમણાંનો દેશ ગયો ડૂબી,

આથમતી રાત હજી આથમતી જાય

નથી અંધારે ઉકલતી ખૂબી;

આંસુડે નીંદરના ટોચા થિયાં

હવે ક્યારે બોલાવશો?

છાતીમાં ટળવળતી નવશેકી હૂંફ

બેઉ આંખે અણસાર ઓશિયાળા,

રુંવાડાં એક એક કરમાતા જાય

થશે પાંપણનાં બંધ હવે તાળાં;

લોચનિયાં લોહીઝાણ લોચાં થિયાં

હવે ક્યારે બોલાવશો?

સ્રોત

  • પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ