ઇચ્છાની મોકાણ

ichchhanii mokaan

મુકેશ દવે મુકેશ દવે
ઇચ્છાની મોકાણ
મુકેશ દવે

અલી ઇચ્છલી હો! શાને તું વળગી છો છાતીએ?

ખાટલો જો હોય તો વાણલાં ગૂંથાવીએ

ને પાથરીએ મખમલની ધડકી,

આભલે મઢેલા એય વિંઝીએ વિંઝણા

ને નીંદરની હાંકીએ હોડકી,

પણ; લાંબા પનાના આખાયે આયખાને ટૂંકી ચાદરમાં શું માપીએ?

અલી ઇચ્છલી હો! શાને તું વળગી છો છાતીએ?

લખી દેવું છે મારે આખું ગામ અને

આપી દઉં દોમદોમ સાહ્યબી,

ઓવારી જાઉં વળી સામટો ખજાનો ને

પહેરાવું સાતરંગી કાચબી,

પણ; પહેરણના ગજવાં જ્યાં ફાટેલાં હોય ત્યાં આપીઆપીને શું આપીએ?

અલી ઇચ્છલી હો! શાને તું વળગી છો છાતીએ?

સ્રોત

  • પુસ્તક : એક જણ જીવી ગયો (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : મુકેશ દવે
  • પ્રકાશક : રમેશ પારેખ સાહિત્ય વર્તુળ, અમરેલી
  • વર્ષ : 2023