કચકડાની ચૂડી રે

kachakdaanii chuudii re

વિનોદ જોશી વિનોદ જોશી
કચકડાની ચૂડી રે
વિનોદ જોશી

કચક્કડાની ચૂડી રે મારું કૂણુંમાખણ કાંડું,

સૈયર શું કરીએ?

ફળિયે રોપ્યો લીંબુડીનો કાચો છોડ કાચો છોડ

કાચો રે પડછાયો એમાં

તકલાદી થડ ફરે,

ખડખડ કરતું પડે પાંદડું

ભણકારા અવતરે;

ખરબચડી કેડી પર પાની પરવાળાની માંડું

સૈયર શું કરીએ?

અડધે મારગ ઠેબે આવ્યું રાતું ફૂલ રાતું ફૂલ

રાતું રે અજવાળું એમાં

લીલો સૂરજ તરે,

પડતર પાંપણનાં તોરણથી

ખરખર નીંદર ખરે;

સપનાનું સાંબેલું લઈને ઉજાગરાને ખાંડું,

સૈયર શું કરીએ?

સ્રોત

  • પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ