કેવડિયાનો કાંટો

kewaDiyano kanto

સરુપ ધ્રુવ સરુપ ધ્રુવ
કેવડિયાનો કાંટો
સરુપ ધ્રુવ

કેવડિયાનો કાંટો અમને અધવચ મારગ વાગ્યો જી!

કોનું છે, ને કોણ ભોગવે પ્રશ્ન પછી તો જાગ્યો જી!

શરમ-શેરડા પડતા હૈયે

કોણ જશે સળ ગણવાજી?!

ભણ્યું ભૂલીને આજ નવેસર,

કક્કા નવતર ભણવા જી!

બામણિયા ગળથૂથી ઑકી, જનમ જૂનો એ ત્યાગ્યો જી – કેવડિયા.

નથી ત્રાજવે સમતુલા કંઈ!

નથી અટકતી દાંજી જી!

– અટલુંક અંધારે સૂઝયું ને

ભપ્ ચંપાતી કાંડી જી!

તળિયેથી તે ટોચ લગી બસ! ધગધગતો દવ લાગ્યો જી! –કેવડિયા.

સૌને માથે સૂરજ ચમકે,

સૌને માટે પામી જી!

પણ સોનેરી શોષણ-નળીઓ

સઘળું લે છે તાણી જી!

ધરતીમાંતા સૌની માતા–ભ્રમ ભોળોભટ ભાંગ્યો જી! –કેવડિયા.

આડું ઊભું વધતું, એને

વિકાસ કહે એ લોકો જી!

પાયામાં ઘરબાયાં માથાં;

ઘરપત નામે ઘોખો જી!

આપ્યાં વચનો અષ્ટમપષ્ટમ અધિકાર જો માગ્યો જી! –કેવડિયા.

હવે હાથ આ થાય અધીરો-દઉ ભડાકે?!

હવે નથી કો રસ્તો બીજો-દઉ ભડાકે

ગશે દિશા લથપથ જામગરી, ચકમક તણખો દાગ્યો જી! –કેવડિયા.

(પણ ત્યાં તો....)

હાં-હાં-કહેતો, હાથ પકડતો

–કો’ક માંહ્યલો

‘એકલહાથે લડત અધૂરી’

–ક્હે છ્ માંહ્યલો;

હાથ એકથી થાય હજારો – એ જ મનોરથ જાગ્યો જી!

કેવડિયાનો કાંટો અમને અધવચ મારગ વાગ્યો જી!

રસપ્રદ તથ્યો

રચના સંદર્ભ અમારા પૂર્વજ કવિ શ્રી રાજેન્દ્ર શાહે આ જ શીર્ષક હેઠળ, વર્ષો પહેલાં એક રંગીલું-રસીલું ગીત લખેલું પણ સ્વાભાવિક રીતે, આજે નવમા દાયકાને આરે ઊભેલાં આપણે માટે-કેવડિયાય કંઈ બીજું છે ને આપણને ખટકતો કાંટોય કંઇક બીજો જ છે એવી સ્પષ્ટતાની જરૂર ખરી?!

સ્રોત

  • પુસ્તક : સળગતી હવાઓ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : સરૂપ ધ્રુવ
  • પ્રકાશક : સંવેદન સાંસ્કૃતિક મંચ
  • વર્ષ : 1995