ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આંગણું

એનાં હરિયાળાં પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું

સીમમાંથી આવેલી કિરણોની પોટલીને

ખોલે હળવેથી મોંસૂઝણે

વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાય :

કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે

દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એક્કે સંભારણું

ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આંગણું

પંખી કહેતાં હોય આંખ સામે દીકરી

ને હોય એક તુલસીનો ક્યારો

પાદરની ગોધૂલિવેળા છે દીકરી

કે વ્હેતિયાણ સરિતા-કિનારો

દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું

ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આંગણું

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૨૦૦૪ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2007