માંડ રે મળી છે

maand re malii chhe

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
માંડ રે મળી છે
હરીન્દ્ર દવે

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ સીમ,

આમ અળગો અળગો તે શીદ ચાલે,

આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ!

ભલે એકલદોકલ કોક ભાળે.

મૈયરનો મારગડો મેલી દીધો છે હવે

મોકળું મૂકીને મન ફરિયે,

આંખના હિલોળે ઝૂલી લઈએ વ્હાલમ,

થોડું નેહના નવાણ મહીં તરીએ,

સાંજ ક્યાં નમી છે? હજુ આટલી ઉતાવળ શું?

વેળ થ્યે લપાઈ જશું માળે.

હમણાં વંકાશે વાટ સાસરિયે જાવાની

થંભી જશે થનગનતી પાની,

નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ,

અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;

મોકો મળે તો જરા ગોઠડી કરીશું

ચોરીછૂપીથી આંખડીના ચાળે.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ