નવરા પડો તો જરા આણી કોર ભાળજો,

નેહે નાગરજી નિહાળજો,

નખરાં કરો, તો નાથ! મારા છે સમ; હવે

દૂર દૂર રહેવાનું ટાળજો.

રોજ રોજ હેમાળે હાડકાં ગળે મારાં

આંસુડાં થીજી સૌ જાય જો,

બળબળતો તાપ મુંને બાળે છે રાતદિ'

અગ્નિની ધગધગતી ઝાળ જો.

ઝંખનમાં જીવું છું, વ્હાલીડો આવશે;

સંદેશો કોક દિ' કહાવજો,

દૂર દૂર રહેવાનું ટાળજો.

મઘમઘતાં ફૂલોની રોજ રોજ માળ કરૂં

વ્હાલાજી! વ્હાલ કરી ધારજો,

જાતે વલોવીને તાવ્યાં મેં માખણિયાં

હૈયાના નેહ તણો સાર જો.

મૂકીને માન, હે! પધારજો પ્રીતમજી!

પરવા ના, કાળ વિકરાળ જો.

દૂર દૂર રહેવાનું ટાળજો.

સ્રોત

  • પુસ્તક : વેણુ ગીત (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : વાસુદેવ વિ. પાઠક 'વાગર્થ'
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1983