મારા વનમાં

mara van ma

સુરેશ દલાલ સુરેશ દલાલ
મારા વનમાં
સુરેશ દલાલ

મારા વનમાં વસંત આવી મોડી મોડી!

પેલી કોકિલાય રાહ જોઈ થાકી

રિસાઈ એણે સૂરનો સંગાથ દીધો છોડી!

હવે ઊડે ગુલાલ છતાં હોરી નહીં :

મારી મંજરીઓ મંન ભરી મ્હોરી નહીં :

કંઠે ભમરાના રસની કટોરી નહીં :

ઊછળે અંગ અંગ માદક ઉમંગ

હજી રઝળે ઉદાસ હવા થોડી થોડી!

આજ દલ દલમાં ફોરમનું આસન ક્યાં છે?

લાલ કેસૂડો કોળ્યો પણ કામણ ક્યાં છે?

લીલો ખીલ્યો છે બાગ : અહીં ફાગણ ક્યાં છે?

સૂનું સ્મિત આજ પોઢ્યું છે ઓઢીને

આંસુની ઝીણી પિછોડી!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980