નર્મદાની શોભા

narmada ni shobha

નર્મદ નર્મદ
નર્મદાની શોભા
નર્મદ

નર્મદા શું ગાઉં શોભા સાંજની;

હાંરે પવન પાણી વાદળ રંગના સુસાજની - હોજીરે. ન...

હાંરે પાણી જોરમાં ઉછાળા નોતું મારતું;

હાંરે પહોળા પટ્ટથી દેખાતી પ્રૌઢ નાર તું - હોજીરે. ન...

હાંરે વીળ ખળખળી ધીમે ચઢીને આવતી;

હાંરે તે તો હોડીમાંથી જોઈ સુણી ભાવથી - હોજીરે. ન...

હાંરે ડહોળાયેલ નીર રંગ તે ભૂરો હતો;

હારે ઝાંખો શ્વેત આસમાન તણો દીસતો હોજીરે. ન...

હાંરે પાકા રંગના ભૂરા તે સામે ડુંગરા;

હાંરે ગળી રંગનાં ટોચે તો ભૂરાં વાદળાં - હોજીરે. ન...

હાંરે કાંઠે ઘાસ લીલાં ઝાડ બહુ શોભતાં;

હાંરે ચાર ગાય ભેંસ ઢોર ખાતાં હતાં - હોજીરે. ન...

હાંરે આવે મંદ મંદ વાયુ ખુશ લાગતો;

હાંરે હોડી ચાલતી તેને ઘણો સવા હતો - હોજીરે. ન...

હાંરે એક વાછડી કાંઠે મથતી ઘણી;

હાંરે પડી જાતી તે ઊંચે જતાં જીની ભણી - હોજીરે. ન...

હાંરે ગુલાબી ઘેરો તે રંગ આસમાનનો;

હાંરે ગુલાબી ફૂલોનો પાણીનો મેદાનનો - હોજીરે. ન...

હાંરે સુદી તીજનો ઊગેલ ચંદ્ર તે સમે;

હાંરે લહેરિયાંની રમ્ય લહેર માંહી મન રમે - હોજીરે. ન...

હાંરે પવન સામટો પડી ગયો પછી ખરે;

હાંરે લીલા બ્રહ્મની જોઈ શી આંખો ઠરે! - હોજીરે. ન...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ