નવ કરશો કોઈ શોક-રસિકડાં

naw karsho koi shok rasikDan

નર્મદ નર્મદ
નવ કરશો કોઈ શોક-રસિકડાં
નર્મદ

નવ કરશો કોઈ શોક-રસિકડાં, નવ કરશો કોઈ શોક. ટેક.

યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં૦ ૧

પ્રેમિ અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી. રસિ૦ ર

મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિ૦ ૩

એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી. રસિ૦ ૪

હતો દૂખિયો થયો સૂખિયો, સમજો છૂટયો રણથી. રસિ૦ પ

મુંઓ હૂં તમે પણ વળિ મરશો, મુક્ત થશો જગતમથી. રસિ૦ ૬

હરિકૃપાથિ મમ લેખચિત્રથી, જીવતો છઊં હું દમથી. રસિ૦ ૭

વીર સત્ય ને રસિક ટેકિપણું, અરિ પણ ગાશે દિલથી. રસિ૦ ૮

જુદાઇ દુઃખ તે નિથ જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિ૦ ૯

મરણ પ્રેમિને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રૂદનથી. રસિ૦ ૧૦

જગતનીમ છે જનન મરણનો, દૃઢ રહેજો હીંમતથી. રસિ ૧૧

મને વિસારી રામ સમરજો, સુખિ થાશો તે લતથી. રસિ૦ ૧ર

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 190)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2004