એક વાર નીંગળ્યું'તું ફળફળતું લોહી,

હવે નીતરતા સિંદૂરના રેલા!

અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

વાયરાને રોકટોક હોય નહીં કોઈ,

હોય મોજાંને કાંઠાની ભીંત,

ઊડ્યા ભેળું મળે આભ એક પંખીને

પથ્થરથી આઘી પ્રીત;

પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ

એક વડલાની ભીંતને વરેલા!

અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

પરબારા જાય પંચકલ્યાણી સૂરજના

ખેરવતા કિરણોની ધૂળ,

અમ-થી ઊગેય નહીં કાળમીંઢ અંધારાં

ખોડેલાં નીંભર છે મૂળ;

ભાંગેલાં કોડિયાંના ડાયરા વચાળે, હવે

ઢોળાતા ઘૂંટ-જે ભરેલા!

અમે પાદરમાં ઝાટકે ખરેલા!

સ્રોત

  • પુસ્તક : સમીપે : જાન્યુ.-માર્ચ એપ્રિલ-જૂન, 2024 (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર
  • પ્રકાશક : સંવાદ પ્રકાશન, વડોદરા
  • વર્ષ : 2025