મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં,

કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,

તારી આંખોમાં કૈંક તો જરૂર છે.

એકલી પડે ને ત્યારે મારા વિચારોના

દર્પણમાં મુખ જોઈ લેજે,

ખુદને સંભળાય નહીં એમ તને મનમાં તું

મારું બસ નામ કહી દેજે.

મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં,

કે મારા શ્વોસોનો નાજુક બહુ સૂર છે.

માટીની ઇચ્છા કૈં એવી તું ચાલે તો

અંકિત પગલાં હો તારાં એટલાં,

મારા મળવાના તારા મનમાં અમાપ રાત-

દિવસો સદાય હોય જેટલાં.

મને આંખોના ઓરડામાં રોકતી નહીં,

કે મારું હોવું તારાથી ભરપૂર છે.

સ્રોત

  • પુસ્તક : શરૂઆત (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : મહેશ શાહ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1982