રાત રૂપે મઢી

raat rupe madhii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
રાત રૂપે મઢી
હરીન્દ્ર દવે

રાત રૂપે મઢી ને રતન ટાંક્યાં,

યમુનાને આરે તોયે વાગી હજી વાંસળી.

વહેતી લહરીમાં કાન માંડીને સાંભળું

શું એણે ડુબાડી દીધો સૂર!

વ્રજની નિકુંજને શું આવી મળ્યા પાય, કે

યમુનાનો આરો ગયો દૂર?

કળીઓને કાનમાં મેં પૂછ્યું કે

ક્યાંય મારા માધવની મોરલીને સાંભળી?

સૌરભના પાલવને ઝાઝેરો તાણ

હસી કળીઓ ને બની ગઈ ફૂલ,

વાયુની લ્હેરખીએ સાન મહીં સમજાવ્યું

સેરવીને રેશમી દુકૂલ,

અંગ રે ભીંજાયું આખું તોયે લાગે કે હજી

વરસી ના વ્હાલમની વાદળી!

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ