સાવ થઈને હળવા

saav thaine haLvaa

જિત ચુડાસમા જિત ચુડાસમા
સાવ થઈને હળવા
જિત ચુડાસમા

સાવ થઈને હળવા,

પવનપાવડી પહેરી તમને આવ્યા છઈએ મળવા.

પરપોટાની ભરી ગાંસડી લાવ્યા છીએ સાથે;

હં...હં... જોજો, બે-ત્રણ જૂના સ્પર્શો છે સંગાથે;

ગાંઠ અમે મારી છે ઢીલી, ખોલો હળવા હાથે;

છાનાં પગલે આવી પહોંચ્યાં સ્મરણો પણ ઝળહળવા.

સાવ થઈને હળવા.

તમે કહો તો કાજળઘેરી રાત લઈને જાશું;

અંધારાની એક નહીં, સો વાત લઈને જાશું;

પડછાયા હડસેલી, કેવળ જાત લઈને જાશું;

મૌન મઢેલી મરજાદા પણ માંડી છે ઓગળવા.

સાવ થઈને હળવા

પવનપાવડી પહેરી તમને આવ્યા છઈએ મળવા.

સ્રોત

  • પુસ્તક : કવિલોક : સપ્ટેમ્બર-ઑક્ટોબર : ૨૦૧૭ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ