સપનું આવ્યું કે

sapnu aavyu ke

સુરેશ દલાલ સુરેશ દલાલ
સપનું આવ્યું કે
સુરેશ દલાલ

એક દિવસ રેતીને સપનું આવ્યું કે મારો સાવ રે

સુકાઈ ગયો દરિયો,

ક્યાં છે તરંગનાં ઊડતાં પંખીઓ? કઈ જાળમાં

ફસાઈ ગયો દરિયો

સેલારા લેતી શોષાઈ ગઈ માછલીઓ

શઢના લીરામાં ઊડે ચીસ;

શંખલા ને છીપલાંના ફાટ્યા ડોળાઓ કેમ

નીરખે છે દખ્ખણની દિશ?

ક્યાંય નહીં સાંભળું હું એનો ઘૂઘવાટ : કયા દરિયામાં

ડૂબી ગયો દરિયો?

એક દિવસ રેતીને સપનું આવ્યું કે મારો સાવ રે

સુકાઈ ગયો દરિયો!

મારો લીલો દરિયો અને ભૂરો દરિયો :

મારા દરિયાનો ઝળહળતો રંગ;

ઝાકળની જેમ તો ઊડી ગયો ને

મારા કાંઠાઓ થઈ ગયા તંગ.

આછે નિઃશ્વાસ મારે હૈયેથી સરતો ત્યાં આંખોનો

છળી ઊઠ્યો દરિયો :

એક દિવસ રેતીને સપનું આવ્યું કે મારો સાવ રે

સુકાઈ ગયો દરિયો!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980