વેદના એ તો વેદ

vednaa to ved

ઉશનસ્ ઉશનસ્
વેદના એ તો વેદ
ઉશનસ્

વેદના તો વેદ રે ભાઈ,

વેદના વીંધ્યો વેદ.

કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!

વેદના તો વેદ!

તત્ત્વતણું ટૂંપણું નાહીં,

કોરું, સાવ કોરું,

વેદના તો લીલા વાંસનું

કોમળ કાળજ કોર્યું;

ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,

ફૂંક્યો વાંસળીવેધ. - વેદના૦

વેદના તો વેદથી મોટી,

વેદથી જૂની વાણ;

જોગી જાણે, ભોગી જાણે,

મરમી કોકને જાણ;

છોગું છડેચોક રાખે, પણ,

છાતીએ છૂપો છેદ. - વેદના૦

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 889)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996