વેેવિશાળ કરતાં ગાવાનું ગીત

Vevishal Karata Gava nu Geet

દલપતરામ દલપતરામ
વેેવિશાળ કરતાં ગાવાનું ગીત
દલપતરામ

એક પાટણનો પોપટ પીળી પાંખનો રે.

તેતો ભમ્યો ભમ્યો દેશ પરદેશે, બીજે ક્યાંઈ મનડું માન્યું નહિરે

જ્યારે દીઠો જથો દાડમ ને દ્રાખનો રે;

ત્યારે હરખ્યો હરખ્યો હૈડામાં વિશેષરે, બીજે ક્યાંઈ...

એક કોયલડી કાશ્મીર દેશનીરે;

તે તો ભમી ભમી ભૂગોળ ખગોળ રે, બીજે ક્યાંઈ...

એને ખુશીમાં ખામી રહી લેશની રે;

જ્યારે આંબે દીઠી આંબા ફળની ઓળરે, બીજે ક્યાંઈ...

એક ચકોર ચાર દીશાએ આથડ્યો રે.

જોયાં જોયાં મોટાં શેહેર શોભિત રે, બીજે ક્યાંઈ...

જ્યારે ચળકતો ચંદ્રમાં આકાશે ચડ્યો રે;

ત્યારે ચોંટ્યું તેનું ચંદ્રમામાં ચીતરે, બીજે ક્યાંઈ...

એક ભમરો સુગંધ તણો ભોગી ભલો રે;

એતો અવનીમાં આથડ્યો અથાગ રે, બીજે ક્યાંઈ...

તો લાખ રીતે રાજી થયો લાગલો રે;

જ્યારે બહુ ફુલવાળો દીઠો સુંદર બાગ રે, બીજે ક્યાંઈ...

એક કમળને ફુલાવા આકાશમાં રે;

ઉગ્યા અગણિત તારા તથા ચંદ રે, બીજે ક્યાંઈ...

થયું પ્રફુલિત સૂરજના પ્રકાશમાં રે,

એને અંગો અંગ ઉપજ્યો આનંદ રે, બીજે ક્યાંઈ...

એક મોરલો તે મોટે મોટે શેહેર ગયો રે,

જોયું સાગરના જળતણું જોર રે, બીજે ક્યાંઈ...

એતો ખરેખરો અંતરમાં ખુશી થયો રે;

જ્યારે ગગનમાં ગાજિયો ઘનઘોર રે, બીજે ક્યાંઈ...

એક કોહીનૂર હીરો કંઈક દેશ ફર્યો રે;

જોયાં ગુણિયલ મોટાં મોટાં ગામ રે, બીજે ક્યાંઈ...

જ્યારે રાણી વિક્ટોરિયાએ શીર ધર્યો રે;

ત્યારે ઠર્યો તે તો ત્યાં ઠરાવી ઠામ રે, બીજે ક્યાંઈ...

એક દમયંતી કન્યા સ્વયંવર વિષે રે;

તો ફરી વળી બધે હૈ વરમાળ રે. બીજે ક્યાંઈ...

જ્યારે ફરતી ફરતી આવી રાજા નળ દીશે રે;

ત્યારે વધ્યો એને આનંદ વિશાળ રે, બીજે ક્યાંઈ...

એક હાકમની હવેલીનો હંસલો રે;

તો પ્હોંચી વળ્યો આકાશ પાતાળ રે, બીજે ક્યાંઈ...

તે તો હરખ્યો હરખ્યો ભાળીને દેખાવ ભલો રે;

જ્યારે જોયું માન સરોવર વિશાળ રે, બીજે ક્યાંઈ...

વે’વાઈ કનકોરાણો દેશોદેશે ફરી વળ્યા રે;

જોયાં ભૂપતિનાં ભૂવન ભૂવન રે, બીજે ક્યાંઈ...

જ્યારે મનમાન્યા ચતુરકુંવરને મળ્યા રે;

ત્યારે મોટે હરખે માન્યું તેનું મન રે, બીજે ક્યાંઈ...

વે’વાઈ પ્રવીણ છે હીરાની પરીક્ષા વિષે રે;

પક્કે પક્કો હીરો પારખ્યો પ્રમાણ રે, બીજે ક્યાંઈ...

જેવા ચતુરકુંવરજી ચતુર દીસે રે,

એમના સસરાજી પણ ચતુર સુજાણ રે, બીજે ક્યાંઈ...

ગુણવંતાને ગુણવંતાની સંગતી ગમે રે,

તેનું મન ઠરે જઈ તેવે ઠામ રે, બીજે ક્યાંઈ...

ધન્ય ધન્ય એમ કહી એવે શુભ સમે રે,

દીલથી દે છે દુવા દલપતરામ રે, બીજે ક્યાંઈ...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002