એક પીળક પરોઢે બોલે છે

ek pilak parodhe bole chhe

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
એક પીળક પરોઢે બોલે છે
મનોજ ખંડેરિયા

એક પીળક પરોઢે બોલે છે

મારી નીંદર ડાળ ઠોલે છે

કોઈ ઊભું બહાર દરવાજે

અંદરથી દ્વાર ખોલે છે

એક ગમતી ગલી ઉઠાવી લે

ગામ આખું ચડેલું ઝોલે છે

આંખ તગતગતી લીલ ઇચ્છાની

હા, હજી કોઈ બખોલે છે

ચન્દ્રકિરણોની કૂણી આંગળીઓ

મગફળી જેમ મુજને ફોલે છે

મૂકી પારેવું સામે પલ્લામાં

રીતે કોણ મુજને તોલે છે?

શ્વાસના ધારદાર ચપ્પુથી–

હવા મારું હોવું છોલે છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ