એક તરસ્યા હરણરૂપે

ek tarasya haranrupe

ગની દહીંવાલા ગની દહીંવાલા
એક તરસ્યા હરણરૂપે
ગની દહીંવાલા

તમે હાજર હતાં એકાંતમાં વાતાવરણરૂપે,

સુખદ શ્વાસો સમય દેતો હતો એકેક ક્ષણરૂપે

રુદનનું એ ઘડી આતિથ્ય સ્વીકાર્યું છે આનંદે,

નિમત્રંણ છે તમોને પણ, પધારો સંસ્મરણરૂપે

દિવસ ધોળા કરે છે યાદ જ્યારે શ્યામ રજનીને,

તો એ આવી રહે છે મારા મનની મૂંઝવણરૂપે.

વલખતા વિશ્વના વલખાટનું હું મધ્યબિન્દુ છું;

પડ્યો છું એના હૈયામાં વહેતા કોઈ વ્રણરૂપે,

મૂકી છે દોટ બન્નેએ, હવે જે થાય તે સાચું:

જમાનો ઝાંઝવાંરૂપે, અમે તરસ્યા હરણરૂપે.

અમે પણ કંઈ હકીકતરૂપ વાંચી છે વસંતોને;

દીઠાં છે ઓસબિન્દુ પાન ઉપર અવતરણરૂપે.

‘ગની’ આ ગૂંગળામણ છે કોઇ મૂગાની વાચાસમ,

પ્રગટશે કોઈ દિવસ, કોઈમાં પણ કોઈપણ રૂપે.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981