હૃદય બાગ-બાગ છે

hriday bag bag chhe

ઓજસ પાલનપુરી ઓજસ પાલનપુરી
હૃદય બાગ-બાગ છે
ઓજસ પાલનપુરી

અંતરમાં રાગ છે ને નયનમાં વિરાગ છે,

‘ઓજસ’ દોરંગી દુનિયા પ્રણયનો દિમાગ છે.

વિરહી હૃદય મિલનમાં વિચારે છે એ જ વાત,

મરવાને માટે હમણાં બહુ સારો લાગ છે.

આ મૌન મારું જોઈને ભૂલો ન, દોસ્તો!

આજેય દિલના દર્દની દુનિયા સજાગ છે.

સંપૂર્ણતાએ પ્હોંચી નથી ત્યાગ-ભાવના,

વૈરાગ્ય પર હૃદયને અત્યારેય રાગ છે.

પાલવનો છાંયડો હો કે મૃત્યુની ગોદ હો,

બળતા હૃદયને એક શીતળતાની આગ છે.

‘ઓજસ’, એ આજ મારી કને હોવા જોઈએ,

નહિતર શું વાત છે કે હૃદય બાગબાગ છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4